ભારતીય ચૂંટણી પંચ દ્વારા
મતદાન ઓળખપત્ર ન હોય, તેવા મતદારો માટે
૧૨ માન્ય વૈકલ્પિક પુરાવાની યાદી જાહેર
ભાવનગર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2019 કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આગામી તારીખ ૨૩/૪/૧૯ના રોજ સવારે ૭-૦૦થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. દરમિયાન, જે મતદારો પાસે મતદાન ફોટો ઓળખપત્ર ન હોય, તેવા મતદારોને મતદાન પ્રક્રિયામાં અગવડ ન પડે અને તેઓ સરળતાથી મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે, તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કુલ ૧૨ માન્ય વૈકલ્પિક પુરાવાની યાદી જાહેર કરવામાં આવી છે.
આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એન ખેરની યાદીમાં જણાવ્યા અનુસાર, જે મતદારોનાં નામ મતદાર યાદીમાં છે, પરંતુ તેમની પાસે મતદાન ફોટો ઓળખપત્ર નથી તેઓ ૧. મતદાર ફોટો ઓળખકાર્ડ, ૨. પાસપોર્ટ, ૩. ડ્રાઇવિંગ લાઇસન્સ, ૪. કેન્દ્ર/રાજય સરકાર/જાહેર સાહસ તથા પબ્લિક લિમિટેડ કંપની દ્વારા અપાયેલું ફોટોવાળું સર્વિસ ઓળખકાર્ડ, ૫. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફોટા સહિતની પાસબુક, ૬. પેન(PAN)કાર્ડ, ૭. શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત આપવામાં આવેલાં સ્માર્ટકાર્ડ, ૮. મનરેગા જોબકાર્ડ, ૯. શ્રમ મંત્રાલયની આરોગ્ય વીમા યોજના અંતર્ગત આપવામાં આવેલાં સ્વાસ્થ્ય વીમા સ્માર્ટકાર્ડ, ૧૦. ફોટો સહિતનાં પેન્શન દસ્તાવેજ, ૧૧. સંસદસભ્યો/ વિધાનસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલાં સરકારી ઓળખકાર્ડ તથા ૧૨. આધાર કાર્ડ-આ તમામ વૈકલ્પિક ઓળખપત્રોમાંથી કોઈ એક દસ્તાવેજ/પુરાવો મતદાન અધિકારી સમક્ષ રજૂ કરી મતદાન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, મતદારોને આપવામાં આવેલી ફોટોવાળી મતદાર સ્લિપ માત્ર માર્ગદર્શન માટે છે, તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે કરી શકાશે નહીં.