પદયાત્રા લોકભારતી સણોસરામાં સમાપન

ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલ પદયાત્રાનો લોકભારતી સણોસરામાં સમાપન સમારોહ

ગાંધી વિચારો અંગે વડાપ્રધાનશ્રીએ વિડિયો સંબોધન કર્યુ

ગાંધી વિચાર દ્વારા યુવાનો સ્વ સાથે સમાજજીવન અને રાષ્ટ્રજીવન ઉજ્જવળ કરે - મુખ્યમંત્રીશ્રી રૂપાણી 

યુવાનોને ગાંધી મૂલ્યો તથા બુનિયાદી શિક્ષણ તરફ વાળવાના દ્વિવિધ ઉદ્દેશ સાથે ગાંધીયાત્રા કરી -                   કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયા

                 સણોસરા

     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીના આચાર વિચારના જન જનમાં પ્રસાર માટે યોજીત પદયાત્રાના સમાપન અવસરે સ્પષ્ટ પણે જણાવ્યુ હતું કે મહાત્માં ગાંધીની કલ્પનાના રામરાજ્યને સાંપ્રદાયિક રીતે નહી પરંતુ સર્વના કલ્યાણ સૌના સાથ સૌના વિકાસ અને સૌ સાથે મળી સામાજીક સમરસતાથી વિકાસના પરિપ્રેક્ષયમાં જોવાની અનિવાર્યતા છે.

     કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ ૧૫૦મી ગાંધી જયંતીના સંદર્ભમાં યોજેલી ૧૫૦ કિ.મી.ની પદયાત્રાનું લોકભારતી સણોસરામાં મંગળવારે સમાપન થયું હતું.

     શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીના જીવન કવનને ટ્રસ્ટીશિપ સર્વઘર્મ સમભાવ અને સત્ય અહિંસા જેવા વિચારો વિશ્વ આખાનું માર્ગદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાવિ પેઢી ને પ્રેરણા અને સ્વરાજ્યને સુરાજ્યમાં પલ્ટાવવાની દિશા ગાંધી વિચારો આપશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દેશના મહાપુરૂષો ગાંધીજી, સરદાર સાહેબ, સાવરકર, તીલકજી, બેડકરજી, વગેરેના ત્યાગ તપસ્યા અને દેશ માટેના સમર્પણને આઝાદી પછીના શાસકોએ એક જ પરિવારની ભક્તિ અને ગુણગાન કરવામાં ઇરાદા પૂર્વક વિસરાવી દેવાનો પ્રયાસ કર્યો તેની આલોચના કરી હતી.

      વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી ૧૫૦ જન્મજયંતીની ઉજવણી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ની જેલને આંદામાન સેલ્યુલર જેલની ઓળખ અને આંબેડકરજીના જીવન સાથે સંકળાયેલ ૫ સ્થાનોનો વિકાસ જેવા કાર્યો ઉપાડીને આ મહાપુરૂષોનું યથોચીત ગૌરવ સન્માન કર્યુ છે. તેની ભૂમિકા આપી હતી.રાજ્ય સરકારે પણ ૧૫૦મી ગાંધીજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી કરીને સ્વચ્છતા અભિયાન સાથે ગરીબ, વંચીત, પીડિત, શોષિત કલ્યાણના અનેક કાર્યક્રમો ઉપાડયા છે. તેની વિશદ છણાવટ કરી હતી વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન ’ દાંડી ’ ખાતે યોજાશે. અહીં યોજાયેલ કૃષિ મેળાની પણ શ્રી રૂપાણીએ વિગતો મેળવી હતી.

     કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇએ ગાંધીજીના વિચારને ઝીલ્યો છે અને તેને સમાજ વચ્ચે લઇ જવા જે પદયાત્રા કરી છે તેની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીજીએ જે રીતે દાંડીયાત્રા કરી હતી જેને સમગ્ર વિશ્વે ઐતિહાસિક ઘટના તરીકે સ્વીકારી છે તે જ રીતે ગાંધીજીના વિચારોથી પોષિત અને સ્વ. મનુભાઇ પંચોલી, નાનાભાઇ ભટ્ટ દ્વારા સિંચિત ધરા સણોસરા ખાતે આ યાત્રા પુરી થઇ છે તે દર્શાવે છે કે, આ યાત્રા ખરા અર્થમાં ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ગ્રામજીવન સુધી ઉતારવામાં સફળ રહી છે.

     કેન્દ્રીય સડક રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, ગાંધીજીએ દેશને આઝાદી અપાવી તેટલું જ નહીં તેમના સામાજીક મૂલ્યોને વિશ્વ આખું સ્વીકારે છે. ગાંધીજીનાં આ મૂલ્યોનું યુવાનોમાં સિંચન થાય અને બૂનિયાદી શિક્ષણમાં ગાંધી મૂલ્યો ઉજાગર થાય તેવા દ્વિવિધ વિચાર સાથે આ ગાંધી યાત્રા કરી છે. આ યાત્રામાં મારી સાથે ૧૫૦ યુવાનો જોડાયા હતા જે દર્શાવે છે કે ગાંધી વિચારો યુવા માનસમાં આજે પણ જીવંત સ્વરૂપમાં સચવાઇ રહ્યા છે. તેમણે કહ્યુ કે, આ અગાઉ મેં કરેલી કેળવણી પદયાત્રા અને બેટી બચાવો, બેટી પઢાઓ - વ્યસન હટાવો માટે બે પદયાત્રા કરી છે. આ મારી ત્રીજી યાત્રા છે.

     સોનાને જેમ કાટ લાગતો નથી તે રીતે ગાંધી મૂલ્યો શાશ્વત છે. જેથી જ મારી આ યાત્રામાં ૨૦ હજાર યુવાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૧૨ હજાર યુવાનો મારી સાથે આ યાત્રામાં જોડાયાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

      કેન્દ્રીય સડક રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલી પદયાત્રાના સમાપન સમારોહમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી શીવપ્રકાશ શુકલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

     ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્ર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. મહાપુરૂષોના વિચાર, મૂલ્યો સમાજજીવનમાં જાગૃત રાખવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પ્રયત્ન કર્યો છે તે સરાહનીય છે.

     ગાંધીજીના ગ્રામ સ્વરાજ્ય થી સુરાજ્ય તથા બુનિયાદી શિક્ષણના વિચારો સમાજમાં પ્રસારિત થાય તે માટે આ યાત્રા ઉદ્દીપક રૂપ બની છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

     ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તેનાં ઉપલક્ષ્યમાં યોજવામાં આવેલ આ યાત્રાએ સાત દિવસમાં ૧૫૦ કિ.મી.નું અંતર કાપી પૂ. બાપુની સ્મૃતિને ચિરંજીવ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મણાર ગામેથી શરૂ થયેલી યાત્રા શિહોર તાલુકાનાં ગ્રામ લોક વિદ્યાપીઢ, સણોસરા ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ હતી. આ યાત્રા ૩૮ ગામો માંથી પસાર થઇ ’’ ગાંધી મહાવ્રતો ’’ નું મહામંથન કરવામાં આવ્યું હતુ. આ પદયાત્રાનાં સમાપન સમારોહમાં ’’ મેં ભી મોહન ’’ નામની દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તૃતિ રજૂ કરવામાં આવી હતી.

     આ પ્રસંગે પ્રારંભે સ્વાગત ઉદબોધન કરતા લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ ગાંધી મૂલ્યો અને તે શિક્ષણ જ સમાજના બધા પ્રશ્નોના ઉકેલ માટે રહેલ હોવાનું કહ્યું.   

     ભાવનગરનાં મેયરશ્રી મનહરભાઇ મોરી, સંસદ સભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી ઋષિકેશ પટેલ, આર.સી.મકવાણા, કેશુભાઇ નાકરાણી, ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી વક્તુબેન મકવાણા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ભાજપના અગ્રણીશ્રી ભીખુભાઇ દલસાણીયા, ભુતપુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ર્ડા. વલ્લભભાઇ કથીરીયા, ઉદ્યોગપતિ સર્વશ્રી પંકજભાઇ પટેલ, સુધીરભાઇ, સંદેશના તંત્રીશ્રી ફાલ્ગુનભાઇ પટેલ, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશ્નરશ્રી તુષાર ડી. સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ માલ, બ્રિગેડીયરશ્રી અજીતસિંહજી, નેશનલ હાઇવે. ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ હેડશ્રી માનકર તેમજ પદયાત્રીકો તથા સણોસરા તથા નજીકના ગામનાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.