ગુજરાત વિધાનસભા
ભાજપ સતત છઠ્ઠી વખત સત્તાના સિંહાસન ઉપર કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ રહેશે
ભાજપ ૯૯ ,કોંગ્રેસ ૮૦ અન્ય ૩ ઉમેદવારો વિજય પામ્યા
ગાંધીનગર સોમવાર
દેશના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બનેલી અને વિદેશમાં પણ ચર્ચાનુ કેન્દ્ર બનેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખરે ભાજપ સતત છઠ્ઠી વખત સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થયો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ શાહની આગ્નિપરીક્ષા સમી આ ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે અને સત્તા ઉપર આવવા કોંગ્રેસનું સપનુ ચકનાચુર થઇ ગયુ છે અર્થાત નવસર્જનનું વિસર્જન થઇ ગયુ છે. ભાજપ ૯૯ ,કોંગ્રેસ ૮૦ અન્ય ૩ ઉમેદવારો વિજય પામ્યા . જો કે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ રહેશે તેમાં શંકા નથી. આથી શાસકો પણ પોતાની પદ્ધતિ માટે સચેત રહેશે જ.
ગુજરાતની પ્રજાએ ફરી એક વખત વડાપ્રધાન મોદી ઉપર વિશ્વાસ મુકી કોંગ્રેસને રર વર્ષ બાદ પણ સત્તાથી દુર રાખ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના અથાગ પ્રયાસો નિરર્થક નિવડયા છે તો રાહુલ ગાંધીની તનતોડ મહેનતને નજીવુ પરિણામ સાંપડયુ છે. જ્ઞાતિવાદ, અનામત આંદોલન, આંદોલનને પ્રજાએ જાકારો આપી વિકાસમાં પ્રજાએ વિશ્વાસ મુકયો છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકાર રચી રહ્યુ છે. ૧૮ર બેઠકોના પરિણામોમાં ભાજપ ૯૯ ઉપર વિજય બન્યુ છે તો કોંગ્રેસ ૮૦ વિજય થયો છે. અન્ય ૩ ઉમેદવારો વિજય પામ્યા છે
દેશના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બનેલી અને વિદેશમાં પણ ચર્ચાનુ કેન્દ્ર બનેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯મીએ અને ૧૪મીએ યોજાયેલા બે તબક્કાના મતદાન બાદ આજે સવારે ગુજરાતના ૩૮ જેટલા મતદાન કેન્દ્રો ઉપર મત ગણતરી શરૂ થઇ હતી. પ્રારંભિક ટક્કર બાદ કોંગ્રેસ આ લડાઇમાં પાછળ રહી ગઇ હતી અને બાજી તેના હાથમાંથી નીકળી ગઇ હતી. સત્તા ઉપર આવવા કોંગ્રેસનું સપનુ ચકનાચુર થઇ ગયુ છે અર્થાત નવસર્જનનું વિસર્જન થઇ ગયુ છે.
રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી લડતા હતા અને તેમની સામે ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ મેદાનમાં હતા પરંતુ મુખ્યમંત્રી રૂપાણીએ ભવ્ય વિજય મેળવ્યો છે એટલુ જ નહી રાજકોટ શહેરની ચારે-ચાર બેઠક પણ ભાજપને મળી છે.
મહેસાણાથી કપરા ચઢાણ હોવા છતાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો વિજય થયો છે જયારે ભાવનગર પશ્ચિમ બેઠક ઉપરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિજય બન્યા છે. કોંગ્રેસના ચાર ટોચના નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરીનો પરાજય થતા કોંગ્રેસને ફટકો પડયો છે. કોંગ્રેસના આ ચારેય દિગ્ગજ નેતા હારી જતા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે સન્નાટો છવાઇ ગયો છે. આ ઉપરાંત ભાજપને પણ અમુક સ્થળે પણ પરાજયનો સામનો કરવો પડયો છે. મંત્રી શંકર ચૌધરી અને ટોચના નેતા જયનારાયણ વ્યાસનો પરાજય થયો છે.
ગુજરાતની ચૂંટણી વડાપ્રધાન મોદી માટે નિર્ણાયક હતી તેમના માટે આ વિજય પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી. જો ગુજરાતમાં ભાજપનો પરાજય થાત તો ર૦૧૯નો રસ્તો મુશ્કેલ પડત પરંતુ ગુજરાતના વિજયે બળ આપ્યુ છે. રાહુલ ગાંધી માટે પણ આ ચૂંટણી મહત્વની હતી. તેમણે આ જંગ જીતવા તનતોડ મહેનત કરી હતી. કોંગ્રેસને એક માત્ર આશ્વાસન સૌરાષ્ટ્રમાંથી મળ્યુ છે. ઉ.ગુજરાતમાં પણ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે પરંતુ દ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાજપનો જય જયકાર થયો છે. જો કે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ રહેશે તેમાં શંકા નથી. આથી શાસકો પણ પોતાની પદ્ધતિ માટે સચેત રહેશે જ.
ર૦૧રમાં ભાજપને ૧૧પ બેઠકો મળી હતી પરંતુ આ વખતે આ આંકડો પણ સ્પર્શી શકાયો નથી. જો કે આ વખતે ભાજપની સામે અનેક પડકારો મોઢુ ફાડીને ઉભા હતા છતાં ભાજપે વિજય મેળવી જબરો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. આખરે ભાજપ સતત છઠ્ઠી વખત સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થયો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ શાહની આગ્નિપરીક્ષા સમી આ ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે.