કેન્દ્રીય કૃષિ ખરડાના વિરોધમાં
ભારત બંધના એલાનની સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર અસર
આગેવાનોની ધરપકડ વચ્ચે કારોબાર ધંધા ચાલુ રહ્યા
રાજકોટ
કેન્દ્રીય કૃષિ ખરડાના વિરોધમાં આજે ભારત બંધના એલાનની સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર અસર જોવા મળી. આ દરમિયાન એલાન આપનારા આગેવાનોની ધરપકડ વચ્ચે કારોબાર ધંધા ચાલુ રહ્યા હતા.
કેટલાક શહેરોમાં બંધના ટેકામાં દુકાનો બંધ કરાવવા કોંગ્રેસ આગેવાનો મેદાનમાં ઉતરતા જ તેને પોલીસે ઉપાડી લીધા હતાં.
અહીં એ ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ બીલને કાળા કાયદા સમાન ગણાવી નવી દિલ્હી ખાતે ખેડૂતો છેલ્લા આઠ દશ દિવસથી આરપારની લડત ચલાવી રહ્યાં છે. આ કાયદાના વિરોધમાં અપાયેલા આજના બંધમાં સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમતા રહ્યા હતા. જયારે માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ રહેવા પામેલ હતું.
ભાવનગરના અહેવાલ મુજબ આજના આ બંધના એલાન દરમિયાન ભાવનગર શહેરનાં ધોધા ગેઇટ ચોકમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયેલ જેમાં વિવિધ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનો સહિતનાંએ ટેકો જાહેર કર્યો હતો.દરમ્યાન ભાવનગર શહેરનાં ઘોઘા ગેઇટ ચોક ખાતે સવારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમ્યા હતાં.
ભારત બંધના એલાનનાં પગલે અમરેલી જિલ્લામાં બંધની અસર નહીવત રહેતા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત બાદ સીટી પોલીસે ધાનાણીને મુકત કર્યા હતાં.બાદમાં ભાજપનાં આગેવાન અને સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણી સાયકલ લઇ શહેરની મુખ્ય બજારોમાં ફરી વેપારીઓને બંધમાં નહી જોડાવા અને દુકાનો અને બજારો રાબેતા મુજબ શરૂ રાખવા માટે થઇ અપીલ કરતાં દુકાનનાં ઓટેલે બેઠેલા વેપારીઓએ પોતાની બંધ દુકાનો ખોલી નાંખી હતી.
કોંગ્રેસી આગેવાનની અપીલને લઇ વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી. વેપારી મહામંડળ દ્વારા બંધમાં નહી જોડાવા અપીલ કરેલ જેને લઇ સવારે મોટા ભાગની દુકાનો ખુલી રહી હતી. આમ અમરેલી શહેરમાં આજે બંધની અસર નહીવત જોવા મળી હતી. એસટી બસ સહિતનો તમામ વાહન વ્યવહાર યથાવત રહેવા પામ્યો હતો.
ગોંડલની બજારો આજના આ બંધ દરમિયાન ધમધમતી રહી હતી. સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાથું ગોંડલનું માર્કેટ યાર્ડ જે ચાલુ રાખવામાં આવેલ હતું. પરંતુ કોઇ ખેડૂતો માલ લઇને જ ન આવતા હરાજી થઇ ન હતી. આ ઉપરાંત કમિશન એજન્ટ એસોસીએશન અને વેપારી મંડળ મજુર સંગઠન વગેરે દ્વારા બંધને સમર્થન આપ્યું હતું. ભારત બંધ એલાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપ્યુ હતું.
પંજાબ અને હરિયાણાના ખેડૂતોના નેજા હેઠળ ભારત બંધનું અપાયેલુ એલાન કચ્છમાં સંપૂર્ણ નિષ્ફળ ગયુ છે. ભૂજ, ગાંધીનગર, અંજાર, માંડવી, નખત્રાણા, શાપર સહિતના વિસ્તારોમાં બજારો ખુલ્લી રહી હતી. મહાબંદર કંડલા ખાતે પણ કામગીરી શરૂ રહી હતી.
જુનાગઢમાં ખેડૂત આંદોલનની વિગતો મુજબ દિલ્હી માં ખેડૂતોના ચાલી રહેલા નવા બનાવાયેલા કૃષિ કાયદાઓના વિરોધ ને લઈને ચાલતા આંદોલનના સમર્થનમાં આજે ભારત બંધના એલાનને લઈને જુનાગઢ ખાતે અમુક વિસ્તારો એ સજ્જડ બંધ પાળ્યો હતો જ્યારે શહેરના અમુક વિસ્તારોમાં ગણતરીના વેપારીઓએ અમુક અડધા સટરે તો અમુક સંપુર્ણપણે દુકાનો ખોલી હતી જ્યારે અમુક વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી ખેડુતોના ચાલી રહેલા આંદોલનને ટેકો આપ્યો હતો.
જૂનાગઢ કોંગ્રેસ એનસીપી સહિત સામાજીક સંગઠનો પણ બંધને સફળ બનાવવા કમર કસી હતી જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર પ્રમુખ અમિત પટેલ રસ્તા પર આવી વેપારીઓ ને ધંધા-રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપવા બે હાથ જોડી અપીલ કરી હતી જ્યારે એનસીપી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, રણમલ સિસોદિયા, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ કાર્યાલયથી લઈ સરદાર ચોક સુધી જવાના હતા પરંતુ કાર્યાલયથી જેવા કાર્યકર્તાઓ નીકળ્યા કે તુરત જ પોલીસે અટકાયત કરી આગેવાનોને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આ ઉપરાંત ખેડૂતો વિરોધી કાયદો ગણાવી ભારત બંધ નાં એલાનમાં વિવિધ ખેડૂત સંગઠનો નાં એલાન નાં સમર્થન મા અરવિંદ ચૌહાણ તેમજ દેવેન વાણવી ની આગેવાનીમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરથી મળેલા અહેવાલો મુજબ તાજેતરમાં લોકસભામાં સરકાર દ્વારા ખેડૂત લક્ષી ત્રણ બીલો પસાર કરવામાં આવ્યા છે અને ભારે બહુમતી સાથે આ બીલ પસાર કરવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે અને અન્ય રીતે આ બીલો નુકશાનકારક હોય ત્યારે હાલ આ બાબતે ખેડૂતો દેશ વ્યાપી વિરોધ નોંધાવવી અને આ બીલો પરત સરકાર ખેંચે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આજના ભારત બંધના એલાનને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને કૃષી બીલને કાળો કાયદો ગણાવ્યો હતો. શહેરની માર્કેટો ખુલ્લી રહેવા પામી હતી. જયારે ગ્રામ્ય વિસ્તારો બંધ રહ્યા હતા. બંધમાં જોડાવા માટે મેદાનમાં ઉતરનારા કોંગી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.
આમ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજના ભારત બંધના એલાનની મિશ્ર અસર રહેવા પામી હતી. આ દરમિયાન ખાસ આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
( વિગત સાભાર - સાંજ સમાચાર )