ગાંધીનગર : સ્વર્ણિમ સંકૂલ

તંત્રની ઘોર બેદરકારી

ગાંધીનગર : સ્વર્ણિમ સંકૂલમાં આવનારા માટે ગન ટેમ્પરેચરનો ઉપયોગ કેમ નથી કરાતો…?

ગાંધીનગર 

કોંગ્રેસના અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. તેમની સાથે સીએમને મળવા ગયેલા અન્ય ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વગેરે.ના કોરોના ટેસ્ટીંગ થયા છે. કોંગ્રેસના એક અન્ય નેતા બદરૂદ્દીન શેખ પણ પોઝીટીવ માલુમ પડ્યા છે. બીજી બાજુ ખેડાવાલા ગઇકાલે મંગળવારે ગાંઘીનગરમાં સીએમ વિજય રૂપાણી અને નાયબ સીએમ નિતિન પટેલ તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળ્યા બાદ આ નેતાઓની તબીબી તપાસ હાથ ધરાઇ. જેમાં રૂપાણીને સ્વસ્થ જાહેર કરવાની સાથે તેમણે જાતે એક સપ્તાહ સુધી કોઇને નહીં મળવાનો નિર્ણય જાહેર કર્યો છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં ખેડાવાલા પ્રકરણે સરકારની પોલ ખોલી નાંખી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં કોરોનાએ સરકારની ઉંઘ ઉડાડી છે. પરંતુ સરકાર સચિવાલય કે સ્વર્ણિમ સંકૂલમાં સીએમ કે મંત્રીઓને તથા સીએમ હાઉસમાં મળવા આવતા લોકોને તાવ વગેરે. છે કે નહીં તેની તબીબી તપાસ માટે ગન ટેમ્પરેચરનો ઉપયોગ કર્યો નથી. જો આ તાવ માપવાના સાધનનો ઉપયોગ કરાયો હોત તો ખેડાવાલા કે જે સીએમને મળ્યા પહેલા તાવ વગેરેથી પિડાતા હતા તે જાણી શકાયું હોત અને સીએમને કે કોઇ અન્યને મળવા માટે રોકી શકાયા હોત.
કોરોના મહામારીને કારણે એરપોર્ટ પર તથા અન્ય સ્થળોએ તાવ માપવા માટે ગનનો ઉપયોગ થાય છે. જેમાં ગનનું નાળચુ સામેની વ્યક્તિના કપાળે તાકીને તેના શરીરનું તાપમાન માપી શકાય છે. આવી જો ખાસ પ્રકારની ગનનો ઉપયોગ સરકારે સચિવાલય કે સીએમ હાઉસ વગેરે. સ્થળે કરાયો હોત તો ખેડાવાલા કે પછી જે કોઇ મુલાકાતી બિમાર હોવાનું જાણી શકાય અને વર્તમાન પરિસ્થિતિમાં તેની એન્ટ્રી રોકી શકાય.

સૂત્રોએ કહ્યું કે સરકાર માસ્ક માટે પ્રજાને ડંડા મારીને અમલ કરાવે છે જ્યારે ખેડાવાલા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો સીએમ વગેરે.ને મળ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ તો માસ્ક પહેર્યા હતા પણ સરકારરના મહાનુભાવો માસ્ક વગરના હતા…!! સરકારે એવો બચાવ કર્યો કે ખેડાવાલા સીએમથી 30 ફૂટ દૂર બેઠા હતા.તેથી સીએમને કોઇ ભય નથી. પુરંતુ જો નેતાઓ જ માસ્ક ના પહેરે તો પ્રજા ક્યાંથી અમલ કરશે..? કૂવામાં હોય તો હવાડામાં આવે. સરકાર પાલન કરે તો લોકો પણ પાલન કરે. સીએમ કક્ષાની વ્યક્તિ માસ્ક વગર બેઠા અને હવે એક સપ્તાહ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની જરૂર પડી છે. સીએમને કોરોના વાઇરસ લાગ્યો નથી. તે એક સારી બાબત કહી શકાય. તો પછી એક સપ્તાહ સુધી અલગ રહેવાની કેમ જાહેરાત કરવી પડી…? વાસ્તવમાં તે એક કોરોના પ્રોટોકોલ છે. ચેપ લાગેલી વ્યક્તિના સંપર્કમાં આવનારને પોતાની જાતને બીજાથી અલગ રાખવી પડે. જેને હોમ ક્વોરેન્ટાઇન જ કહેવાય છે. જો કે લોકોમાં કોઇ ખોટો મેસેજ ના જાય એટલે સીએમને ઇસોલેશનમાં રાખવામાં આવ્યાં એમ કહેવાને બદલે સીએમ દ્વારા જાતે એક સપ્તાહ સુથી કોઇને નહીં મળવાનો નિર્ણય લેવાયો…ની જાહેરાત કરવામાં આવી છે.. જે સીધા નહીં પણ ઉંધા હાથે કાન પકડવા સમાન છે.

સરકારે ખેડાવાલા મામલા બાદ મુલાકાતીઓની સામાન્ય તબીબી ચકાસણી ખાસ કરીને તાવ માપવા માટે ગન ટેમ્પરેચરનો ઉપયોગ કરવો જઇએ. અને તમામ મંત્રીઓ અધિકારીઓ વગેરે. ફરજિયાત માસ્ક પહેરે તેવો પરિપત્ર પણ કરવો જોઇએ.

 વિશેષ અહેવાલ સાભાર :  જીએનએસ