પશુ દવાખાના કાર્યરત

<span style="font-size:20px મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરાવતા મુખ્યમંત્રીશ્રી

દરેક જીવને અભયદાનનો આપણો મંત્ર અબોલ મૂંગા પશુજીવોની શ્રેષ્ઠ સારવારથી સાકાર કરવો છે - મુખ્યમંત્રીશ્રી

ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી ૩૬પ દિવસ સવારે ૭ થી સાંજે ૭ ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે

ગાંધીનગર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ – હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે. મુખ્યમંત્રીશ્રી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવારના અભિનવ પ્રયોગ એવા ૧૦૮ મોબાઇલ પશુ દવાખાનાનો લોકાર્પણ ગાંધીનગરમાં કરતાં સંબોધી રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૦ ગામ દિઠ એક મોબાઇલ પ્રમાણે પ્રારંભિક તબક્કે ૧૦૮ મોબાઇલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતાં કહ્યું કે, ૧૦૮ના આંકને શુભ માનવામાં આવે છે કેમ કે આપણી માળામાં પણ ૧૦૮ મણકાંઓ હોય છે અને ૧૦૮ જાપ કરવાથી સારું પરિણામ પણ પ્રાપ્ત થતું હોય છે એવી જ રીતે આજે ૧૦૮ હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે આ ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં કાર્યરત કરી છે. સમગ્રતયા રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળતી થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માનવ આરોગ્યની ત્વરિત તાત્કાલિક અને સુગમ સારવાર માટે જેમ ૧૦૮ની સેવાઓ હાલ કાર્યરત છે, તેવી જ રીતે પશુપાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુસારવાર પશુપાલકોને મળી રહે તે માટે આ ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના પણ પશુ સારવાર સેવા માટે અતિમહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.  લગભગ દરેક ખેડૂત પશુપાલક હોય છે અને પશુપાલક ખેડૂત હોય છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન પણ છે. ત્યારે ખેડૂતની આવક બમણી થાય અને શ્વેત ક્રાંતિ માટે દૂધનું ઉત્પાદન વધે તે માટે પશુઓની સંભાળ રાખવી પણ જરૂરી છે.

આ વખતના બજેટમાં જે ખેડૂત પ્રાકૃતિક ખેતી ગાયોના છાણથી ખેતી કરશે એટલે કે ઓગ્રેનિકથી એક કદમ આગળ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થશે તેને ગાય દીઠ દર મહિને ૯૦૦ રૂપિયા રાજ્ય સરકાર સબસીડી આપવાની છે. પ્રાકૃતિક ખેતી એ માનવીના તંદુરસ્તી માટે પણ અતિ ઉપયોગી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, ગાય આપણી માતા છે અને ગાયમાં ૩૩ કરોડ દેવાતાઓનો વાસ જોઇએ છીએ એટલે ગાયને આપણે પવિત્ર માનીએ છીએ. પશુઓમાં ગાયની ખૂબ ચિંતા કરવામાં આવે છે એટલે પશુઓના હિત માટે મોબાઇલ પશુ દવાખાના ચાલું કરીને સાચી દિશામાં સાચા કદમ સરકાર ભરી રહી છે.

પશુપાલન મંત્રીશ્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું કે, આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે અને સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. તેમણે ઉમેર્યુ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવાઓ દ્વારા રાજ્યમાં અબોલ-મૂંગા પશુજીવોની સારવારનું – જીવદયાનું શ્રેષ્ઠ કામ થઇ રહ્યું છે. ગુજરાત દેશભરમાં એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પશુઓ માટે ઓન કોલ સેવા ૧૯૬ર નંબર પર ફોન કરવાથી તત્કાલ મળી રહે છે. આ યોજનાની સફળતાનું શ્રેય પણ તેમણે મુખ્યમંત્રીશ્રીની પશુજીવો પ્રત્યેની સંવેદના-કરૂણાને આપ્યુ હતું.

આ લોકાર્પણ અવસરે કૃષિના અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. પરમાર, પશુપાલન સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, પશુપાલન નિયામક તેમજ GVK EMRIના ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.