લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ૧.૭૦ લાખ કરોડના પેકેજ થકી લાભાન્વિત થઇ રહેલા કરોડો ગરીબો
ભાવનગર સહિત ગુજરાતમાં યોજનાઓનો લાભ લઈ રાહતની લાગણી વ્યક્ત કરતા લાભાર્થીઓ
ભાવનગર
કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના પગલે ગરીબોને મદદરૂપ થવા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેના પગલે વિવિધ યોજનાઓ હેઠળ ગરીબો લાભાન્વિત થઇ રહ્યા છે. ગુજરાતમાં પણ જનધન યોજના હોય કે કિસાન સન્માન નિધિ, વિધવા સહાય હોય કે ગરીબો માટેની અન્ન યોજના હોય, જિલ્લે-જિલ્લે લભાર્થીઓને સહાય મળી રહી છે. વાત કરીએ ભાવનગર જિલ્લાની. જિલ્લામાં વિવિધ યોજનાઓનો લાભ મેળવીને લોકો ખૂશ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દેશભરના ખેડૂતોને અપાતી સહાયની. ખેતી પ્રધાન દેશમાં દેશના ખેડૂતોના હિત વિશે વિચારવાનું આપણા પ્રધાનમંત્રી ક્યારેય ભૂલતા નથી. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે તેવા સમયે ખેતીકામ કરવામાં ખેડૂતોને ઉભી થતી આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ દેશભરના ખેડૂતોને રૂપિયા 2000નો સહાયનો હપ્તો કોઇ પણ જાતના વિલંબ કર્યા સિવાય તેમના ખાતામાં સીધો જ ચૂકવી દેવાયો છે. ખેડૂતોને મળેલી સહાયરૂપી આ નાણાએ ખેડૂતોનો સમય સાચવી લીધો છે. અને હજુ લાભાર્થી ખેડૂતોને રૂપિયા ૨૦૦૦ ના બીજા બે હપ્તાનો લાભ પણ મળશે.
ભાવનગર જિલ્લાના સરતાનપર ગામના ખેડૂત અમિતભાઇ ચૌહાણને આ લાભ પ્રાપ્ત થયો છે. હાલની મહામારીના આ સમયમાં કેન્દ્ર સરકાર તરફથી જરૂરિયાતના સમયે જ મળેલી સહાયથી અમિતભાઇ ખૂબ ખુશ છે. અને પ્રધાનમંત્રીશ્રી તેમજ સરકારનો આભાર માની રહ્યાં છે.
ભાવનગર જિલ્લાના ભૂંભલી ગામના ખેડૂત લખુભાઇ હરકટને પણ આ સહાય પ્રાપ્ત થઇ છે. સમયસર પ્રાપ્ત થયેલી સરકારની સહાયને લઇને તેઓ પ્રસન્નતા સાથે ભારત સરકારનો આભાર પણ માની રહ્યાં છે. એમનું કહેવું છે કે યોગ્ય સમયે મળતી મદદ એજ સાચી મદદ કહેવાય. એટલું જ નહી જરૂરતમંદને કરાતી મદદ એજ સાચી મદદ કહેવાય. આ બંને વાતને સાર્થક કરી રહી છે વર્તમાન કેન્દ્ર સરકાર.
વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નિરાધારોનો આધાર બનીને ઉભરી રહી છે. હતાશા અને નિરાશાના અંધકારમાં સપડાયેલા લોકો માટે આશાનું એક કિરણ છે આ યોજના. આ યોજના હેઠળ મળતી જુદીજૂદી સહાય એ માત્ર સરકારી સહાય ન બની રહેતાં લાભાર્થી પરિવારો માટે એક સહારો બની રહે છે. જેના આધારે એમનું જીવન ટકી રહે છે.
આવા જ એક લાભાર્થી છે ભાવનગરના જહાંગીરમીલની ચાલી વિસ્તારના હેમલતાબેન કદંબ. દસ વર્ષ પહેલા પતિનું અવસાન થયું. પુત્રને પણ મજૂરી કામ કરતાં કરંટ લાગતાં તેની સારવારમાં ઘર ખાલી થઇ ગયું. હાલમાં નાની ચાની નાની દૂકાનમાં મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમાં લોકડાઉનને કારણે કામ બંધ છે. પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે ત્યારે હેમલતાબેનને વિધવા સહાય પેટે સરકાર તરફથી રૂપિયા 2500ની સહાય પ્રાપ્ત થઇ છે. મુશ્કેલીના આ સમયમાં મસીહા બનીને પોતાની પડખે ઉભી રહેલી સરકારનો હેમલતાબેન આભાર વ્યક્ત કરતાં થાકતા નથી.
દેશભરના આઠ કરોડ સિત્તેર લાખ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતો, ત્રણ કરોડ વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો તથા વીસ કરોડ મહિલા જનધન ખતાધારકોનું જીવન લોકડાઉનના સમયમાં આ સરકારી સહાયના કારણે સરળ બન્યું છે.