મુખ્યમંત્રી પાલીતાણાના કાળભૈરવ મંદિરે ભક્તિ અર્ધ્ય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાલીતાણા કાળભૈરવ મંદિરે યજ્ઞવિધિમાં ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું

ગુજરાત જલ્દીથી કોરોનમુક્ત બને અને સૌનું આરોગ્ય જળવાય  પ્રાર્થના 

ભાવનગર  શનિવાર  તા.14/11/2020

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલ  શુક્રવારે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે ટેક્નોલોજીના માધ્યમથી ઉપસ્થિત રહી કાલભૈરવ દાદાને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા માટે ફૌજી શીર્ષક તળે યોજવામાં આવેલ આ યજ્ઞમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે હાલ કોરોનાની મહામારીના કારણે ટેક્નોલોજીના માધ્યમથી કાળભૈરવ દાદાના યજ્ઞવિધિમાં જોડાઈ ભક્તિ અર્ધ્ય અર્પણ કરવાનો લાભ મળ્યો છે. ગુજરાતની જનતા કોરોનામુક્ત બને અને સૌનું આરોગ્ય જળવાય તેવી પ્રાર્થના કરી હતી.અને કોરોના મહામારીથી બહાર આવી રાજ્યને વિકાસની દિશા તરફ આગળ વધવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. દિવાળીના પ્રકાશપર્વ થકી અંધકાર દુર થાય, નુતનવર્ષ લાભદાયી બને તે માટે રાજ્યના તમામ નાગરીકોને મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રની સુરક્ષા માટે કાળભૈરવ દાદાને પ્રાર્થના કરી હતી અને યજ્ઞમા વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમા રહેતા તમામ ગુજરાતીઓને તેમણે દિવાળીની શુભેચ્છા પાઠવી સૌને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેમ જણાવ્યું હતુ.

આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, મામલતદાર શ્રી એચ.બી.ભગોરા સહિતના અધિકારીઓ, પદાધીકારીઓ તેમજ કાળભૈરવ મિત્ર મંડળ, અમદાવાદના સેવક સમુદાય સહિત સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.