મુખ્યમંત્રીશ્રી રાજ્ય માટે લોકડાઉન - 4

મુખ્યમંત્રી શ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન- 4 ગાઇડ લાઇન્સ

કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ - કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા ગાઇડલાઇનને આધિન છૂટછાટો

તા.૩૧મી મે રવિવાર સુધી રાજ્યમાં અમલ કરાશે

 ગાંધીનગર 

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે.

        તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે.

        ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જાહેર ગાઇડલાઇન-નિયમો મુખ્યત્વે આ મુજબ છે:-

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

  • કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે .
  • સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
  • ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો કડક અમલ કરાશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં.
  • આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ – બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે-સંક્રમણ ન રહે.
  • હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.
  • આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે.
  • અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે.
  • બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે.
  • એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે.
  • માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી     ખોલવાની રહેશે.
  • એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે.
  • દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં.
  • સાબરમતી નદીની પશ્રિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે.
  • અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી.
  • સમગ્ર ગુજરાતમાં એસ. ટી. બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં.
  • લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે.
  • કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે.
  • કેન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે.
  • વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે.
  • સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લીક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.
  • કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે.
  • પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે.
  • સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે.
  • રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે.
  • ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે.
  • પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે.
  • તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે.
  • પ્રાયવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે.
  • ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે.
  • સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે.
  • ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે.
  • સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે.
  • આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે.
  • આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને રૂ. ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જાહેરમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે ત્યારે લોકોને માસ્ક સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠવી છે.

જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે.

પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશ: સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ થશે.

તેમણે કહ્યું કે, આવા માસ્કની કિંમત પણ N-95 માટે રૂ. ૬પ પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક રૂ. પ ની રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના હરેક નાગરિકની આરોગ્ય સલામતિની ચિંતા કરીને તેમજ લોકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેના જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતાથી સંપૂર્ણ સરકાર દિવસ-રાત કાર્યરત છે.

તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબૂથી હાથ ધોવા, કામ સિવાય ઘર બહાર ન નીકળવું જેવી આદતો કેળવીને જ આ લાંબી લડાઇ પર વિજય મેળવી શકાશે.

મુખ્યમંત્રીશ્રીએ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ખાસ કરીને વૃદ્ધો, વયસ્કો, ગંભીર બિમારી ધરાવતા લોકો, નાના બાળકોની ખાસ તકેદારી સંભાળ લેવાની પણ સૌ પ્રજાજનોને અપિલ કરી હતી.