ભાવનગરના કોરોના દર્દી રોગમુક્ત

વિશ્વ આરોગ્ય દિવસે નિરામય ભેટ...
ભાવનગરના કોરોના દર્દી ઘનિષ્ઠ સારવાર બાદ રોગમુક્ત 
તાળીઓના ગડગડાટ સાથે દર્દીને ભાવપૂર્ણ વિદાય અપાઇ

ભાવનગર  
સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે, ત્યારે વિશ્વ આરોગ્ય દિવસે  ભાવનગરને તબીબો દ્વારા દર્દીને નિરામય ભેટ સાંપડી છે અને કોરોના બીમારીમાં રહેલ દર્દી રોગમુક્ત થયેલ છે. આ દર્દીને આજે દવાખાનામાંથી તાળીઓના ગડગડાટ સાથે ભાવપૂર્ણ વિદાય અપાઈ છે. આરોગ્ય  તંત્ર અને વહીવટી તંત્રની સમયસરની  કામગીરીનું આ પરિણામ મળ્યું છે.

તા.૨૯ માર્ચના ભાવનગરના ઘોઘા જકાતનાકા ખાતે રહેતા ૭૦ વર્ષીય જશુભાઈ ધનજીભાઈ જાંબુચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા. ત્યારબાદ આજ તા. ૭/૪/૨૦૨૦ની સવાર સુધી આઇસોલેશન વોર્ડમા આરોગ્ય વિભાગના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે દર્દીની સેવામા ખડે પગે રહી સતત ૧૦ દિવસ સુધી દર્દીની સઘન સારવાર હાથ ધરી હતી. સાથો સાથ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી વિકાસ સિન્હા, ડીન શ્રી મેડિકલ કોલેજ, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી સિન્હા, કાર્ડિયાક, એનેસ્થેસિયા, E.N.T. વગેરે વિભાગોના ડોક્ટરો અને તેમની ટીમની સેવા સુશ્રુષા અને મહેનત રંગ લાવી અને દર્દીનો ગત ચોવીસ કલાક દરમિયાન ૨ વખત કરવામા આવેલ રિપોર્ટ નેગેટીવ આવતા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવેલ.

આજે વિશ્વ આરોગ્ય દિવસે સવારે તેમને તાળીઓના ગડગડાટ સાથે સારવારમા રહેલ મેડિકલ તેમજ પેરામેડિકલની ટીમ દ્વારા બંને બાજુ કતારમા ઉભા રહી ભાવપૂર્ણ વિદાય અપાઇ હતી. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે, ત્યારે વિશ્વ આરોગ્ય દિવસે  ભાવનગરને તબીબો દ્વારા આ દર્દીને નિરામય ભેટ સાંપડી છે અને કોરોના દર્દી રોગમુક્ત થયેલ છે. આમ, આરોગ્ય  તંત્ર અને વહીવટી તંત્રની સમયસરની  કામગીરીનું આ પરિણામ મળ્યું છે.