ગુજરાત વિધાનસભાની ચૂંટણી

૯મી અને ૧૪મી ડિસેમ્‍બરના વિધાનસભાની ચૂંટણી

૯મી ડિસેમ્‍બરના સૌરાષ્‍ટ્ર અને દ.ગુજરાતમાં  જયારે ૧૪મી ડિસેમ્‍બરના રોજ ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં મતદાન - આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

 નવી દિલ્‍હી તા.રપ :

   સમગ્ર દેશનુ જયાં ધ્‍યાન કેન્‍દ્રીત છે એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનુ બ્‍યુગલ આખરે ફુંકાયુ છે. ચૂંટણી પંચે આજે ચૂંટણી કાર્યક્રમનું એલાન કરતા રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં ૧૮ર બેઠકો માટે બે તબક્કે મતદાન યોજાશે. ૯મી ડિસેમ્‍બરે ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જયારે ૧૪મી ડિસેમ્‍બરે ૯૩ બેઠકો મતદાન થશે. ૧૮મી ડિસેમ્‍બરે હિમાચલની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કે એટલે કે ૯મી ડિસેમ્‍બરના રોજ સૌરાષ્‍ટ્ર અને દ.ગુજરાતમાં મતદાન યોજાશે. જયારે ૧૪મી ડિસેમ્‍બરના રોજ ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં ચૂંટણી યોજાશે. આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે.

      મુખ્‍ય ચૂંટણી કમિશ્‍નર એ.કે.જોતીએ આજે બપોરે પત્રકાર પરિષદમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્‍યુ હતુ કે, ૯મી ડિસેમ્‍બરના રોજ ગુજરાતના ૧૯ જીલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન થશે જેમાં ર.૧૧ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કા માટે ૧૪મી નવેમ્‍બરે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. જયારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે ૧૪ જિલ્લામાં મતદાન થશે. આમા કુલ ર.ર૧ કરોડ મતદારો મતદાન કરશે. બીજા તબક્કા માટે ર૮મી નવેમ્‍બરે જાહેરનામુ બહાર પાડવામાં આવશે.

     આ ચૂંટણીમાં કુલ ૪.૩૩ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુકત અને ન્‍યાયી ઢબે ચૂંટણી થાય તે માટે પ૦૧ર૮ મત કેન્‍દ્રો ઉભા કરવામાં આવશે. મતદાન સવારે ૮ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે. તમામ ૧૮ર બેઠકો માટે વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી ઉમેદવારને ર૮ લાખનો ખર્ચ કરવાની છુટ આપવામાં આવશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ દરેક ઉમેદવારે બેંક એકાઉન્‍ટ ખોલાવવુ પડશે.  દરેક મતદારને મતદાનના ૭ દિવસ પહેલા ફોટાવાળી આઇડી સ્‍લીપ આપવામાં આવશે. ગોવા બાદ ગુજરાત સૌ પહેલુ રાજય હશે જયાં મતદાન ૧૦૦ ટકા વીવીપીએટી થકી થશે. દરેક ઉમેદવારે પોતે કરેલા ખર્ચની વિગત ૭પ દિવસની અંદર આપવી પડશે અને તેની માહિતી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ગુજરાતમાં આજથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ ગઇ છે અને તે કેન્‍દ્ર સરકાર માટે પણ લાગુ છે.ચૂંટણીની ગતિવિધિનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે. ૧૦ર બુથ ઉપર મહિલા સ્‍ટાફ મુકવામાં આવશે અને દેખરેખમાં જીપીએસનો ઉપયોગ પણ થશે. જે વિસ્‍તારો સંવેદનશીલ છે તેના પર વેબકાસ્‍ટીંગ થકી લાઇવ નજર રખાશે. સુવિધા એપ થકી રેલી માટે ઓનલાઇન પરવાનગી લઇ શકાશે અને મોબાઇલ એપ થકી લોકો ચૂંટણી સાથે જોડાયેલી કોઇપણ ફરિયાદ કરી શકશે.

       ૧૮ર સભ્‍યોવાળી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ર૩ જાન્‍યુ. ર૦૧૮ના પુરો થાય છે. મુખ્‍ય ચૂંટણી કમિશ્‍નર જોતીએ કહ્યુ હતુ કે, ઉમેદવાર એફીડેવીટમાં કોઇપણ વિગત બ્‍લેન્‍ક છોડી નહી શકે. આમ થશે તો ઉમેદવારને નોટીસ અપાશે, ઉમેદવારી રદ્દ પણ થઇ શકશે. ચૂંટણી સુરક્ષિત માહોલમાં થાય તે માટે પુરતી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દેખરેખ માટે ફલાઇંગ સ્‍કવોડ બનાવવામાં આવશે. દારૂ વિતરણ જેવી ગતિવિધિ ઉપર નજર રાખવા ખાસ દેખરેખ રખાશે. દિવ્‍યાંગો માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ વખતે મતદાર મત કોને આપ્‍યો તે જોઇ શકશે. પેઇડ ન્‍યુઝના મુદે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. થિયેટર અને રેડીયો જાહેરાત ઉપર પણ નજર રખાશે.