સેંજળધામ શ્રી દાન મહારાજ જગ્યા સન્માન

ભજન કરી રહેલ સાધુ પણ સ્વયં 
સમાધિ છે - શ્રી મોરારિબાપુ 
સેંજળધામ ખાતે શ્રી દાન મહારાજ જગ્યાનું સન્માન 
સન્માન, સમુહ લગ્ન અને પાટોત્સવ યોજાયા 
 
ઈશ્વરિયા 
     સેંજળધામ ખાતે પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજન કરી રહેલ સાધુ પણ સ્વયં સમાધિ છે. શ્રી દાન મહારાજ જગ્યા - ચલાળાને આ વર્ષનું સન્માન અર્પણ કરવામાં આવ્યું. અહીં સન્માન, સમુહલગ્ન અને પાટોત્સવ યોજાયા.
     શ્રી મોરારિબાપુ પ્રેરિત વિવિધ વંદના ભાવ સાથેના પદક સન્માન એનાયત કરવામાં આવે છે, જેમાં પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માનનું નવમા વર્ષનું સન્માન વલ્કુબાપુએ સ્વીકાર્યું હતું.
     મંગળવારે સેંજળધામ ખાતે શ્રી દાન મહારાજ જગ્યા - ચલાળાને આ વર્ષનું સન્માન અર્પણ કરતા શ્રી મોરારિબાપુએ સાધુ અને જગ્યા સાથેના સત્સંગભાવના ઉદબોધન સાથે કહ્યું કે, ભજન કરી રહેલ સાધુ પણ સ્વયં સમાધિ છે. રામાયણમાં સાધુ, સંત, દાસ, સેવક, ભગત વગેરે લગભગ લગભગ પર્યાય ધરાવતા શબ્દો ઉલ્લેખાયા છે. સાધુના ગુણનો એક ઉલ્લેખ કરતા કહ્યું કે, હેરાન થયા વગર હરિભજન થઈ શકતું નથી. ચેતન સમાધિ સેંજળધામની વંદના સાથે શ્રી મોરારિબાપુએ કહ્યું કે સમાધિ ચેતન જ હોય, જડ હોય જ નહીં, તે વિશેષણથી મૂક્ત હોય છે. જેણે જેણે નિજ અનૂસંધાન કર્યું તે સમાધિ સુધી પહોંચ્યાનું જણાવી સેવાનો માર્ગ પણ સમાધિની જ એક પ્રક્રિયાની જરૂર નથી.મૂક્તિના ભોગે આ સંસ્થાઓએ મમતા રાખી સેવા કરી છે. તેમણે શ્રી દાન મહારાજની જગ્યાની પ્રવૃત્તિને બિરદાવી. 
     શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીએ સમારોહના સઁચાલન સાથે આ સન્માનની પરંપરા અને શ્રી મોરારિબાપુના સંકલ્પો વિકલ્પો મૂક્ત હોવાનું જણાવ્યું.  
    સન્માનિત શ્રી દાન મહારાજ જગ્યા - ચલાળાના મહંત મહારાજ શ્રી વલ્કુબાપુએ 'ભગત'ને 'ભક્ત' તરીકે જોડ્યાનો અહોભાવ જણાવી નવમા સન્માનથી પૂર્ણાંક બનાવ્યાનો રાજીપો વ્યક્ત કર્યો. અસંખ્ય સન્માન અભિવાદનોમાં ધ્યાન સ્વામીની જગ્યા દ્વારા કળશ ચડાવાયાની લાગણી જણાવી. શ્રી દાન મહારાજનું જીવન અજાતશત્રુ ગણાવી વાત કરી.  
      આ પ્રસંગે શ્રી જાનકીદાસબાપુ (કમીઝળા), શ્રી દુર્ગાદાસબાપુ (સાયલા) તથા શ્રી નિર્મળાબા (પાળિયાદ) દ્વારા પ્રાસંગિક ઉદબોધનો કરાયા. અહીં કોઠારી શ્રી મુકુન્દરામબાપુ (દુધરેજ)ની પ્રેરક ઉપસ્થિતિ રહી. 
      મહામંડલેશ્વર તરીકે પદવી મેળવનાર શ્રી નિર્મળાબા તથા વસંતદાસબાપુને સૌએ બિરદાવ્યા હતા. 
     શ્રી વસંતદાસબાપુએ પ્રારંભે પરંપરા અંગે ઉદબોધન કર્યું હતું. 
     સમારોહ પ્રારંભે કાશ્મિર સૈનિકોના બલિદાનને સૌએ મૌન વડે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 
     સેંજળધામ ખાતે ચેતન સમાધિ પાટોત્સવ, સમુહલગ્ન અને સન્માન સમારોહ એમ ત્રિવિધ આયોજનમાં શ્રી જગજીવનદાસબાપુ (જૂનાગઢ), શ્રી વિજયદાસબાપુ (સતાધાર), શ્રી લલિતકિશોરદાસબાપુ (લીબડી), શ્રી ઝીણારામજી મહારાજ (સિહોર), શ્રી નિરૂબાપુ (સણોસરા) વગેરે સંતો, મહંતો વગેરે મોટી સઁખ્યામા જોડાયા હતા.