સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ

18th , September 2017

સરદાર સરોવર (નર્મદા) બંધ પરથી મા નર્મદાનું વિધિવત પૂજન કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજના રાષ્ટ્રને અર્પણ કરી

કેન્દ્રીય જળ સંશાધન મંત્રી શ્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહાનુભાવો પૂજનમાં જોડાઇને ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા

કેવડીયા

       ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધરતી પર સાકાર થયેલી આંતરરાજ્ય–બહુહેતુક-ઐતિહાસિક સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લામાં કેવડીયા નજીક ૧૪૪.૫૦ મીટર ઉંચા–વિશાળ સરદાર સરોવર નર્મદા બંધ પરથી નર્મદાષ્ટકમ અને પુરૂષાસુક્તના ગાન સાથે સરદાર સરોવરમાં હિલોળા લેતાં મા નર્મદાના નીરને ફુલડે વધાવી, શ્રીફળ-ચૂંદડી પધરાવી નર્મદા પૂજન કર્યું હતું. રાષ્ટ્રમાં સુખ, શાંતિ, સદ્દભાવ, સમૃધ્ધિ અને સ્વચ્છતાના સંકલ્પ સાથે નર્મદા પૂજન કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી હતી.

       ભારતના સિંચાઇ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા અને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તક્તીનું અનાવરણ પણ કર્યું હતું.

       કેવડીયા કોલોની નજીકના સમગ્ર વિસ્તારને અને સરદાર સરોવર (નર્મદા) ડેમને લાલ-પીળા વસ્ત્રો અને ફુલોથી સજાવાયો હતો. મુખ્યબંધની ઉંચાઇથી લઇને સરદાર સરોવરમાં હિલોળા લેતાં નર્મદાનાં નીરને સ્પર્શે તે રીતે લાલ-પીળા વસ્ત્રો પર અંકિત  “નર્મદે-સર્વદે” મંત્રએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી મુક્યું હતું.

 

       ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ પણ છે. સરદાર સરોવર નર્મદા બંધ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં જ નર્મદા-ભરૂચ-રાજપીપળા પાઠશાળાના ૧૦૧ ૠષિકુમારોએ નર્મદાષ્ટકનું સામૂહિક ગાન કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકાર્યા હતા. મહાનુભાવોએ પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. નર્મદા મુખ્યબંધની ‘એ ફ્રેમ’ તરફની બાજુએથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ડેમ પર આવ્યા હતા, જ્યાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધ્યક્ષ શ્રી એસ.એસ.રાઠોરે તેમને યોજનાની છેલ્લામાં છેલ્લી સ્થિતિ વિષે ટૂંકમાં માહિતી આપી હતી.

       પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાલે કુમકુમ તિલક કરીને તિલકવાડાના વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્તવિધિનો આરંભ કરાવ્યો હતો. મા નર્મદાની આરાધના કરતા નર્મદાષ્ટકમના સતત ગાન વચ્ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રીફળ-ચૂંદડી પધરાવીને મા નર્મદાના ઓવારણા લીધા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાંચ દીવાઓથી ભાવપૂર્વક મા નર્મદાની આરતી ઉતારી ત્યારે ૠષિકુમારોએ સમગ્ર વતાવરણ શંખનાદથી ભરી દીધુ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા અને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કર્યાં હતાં.

       મહાનુભાવો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંચ પાસે ગયા હતા. જ્યાં તેમણે તકતીનું અનાવરણ કર્યુ હતું. જીવાદોરી સમી સરદાર સરોવર નર્મદા યોજનાના વિધિવત રાષ્ટ્રાર્પણ સાથે જ ઘનઘોર વાદળોથી ઘેરાયેલાં આકાશમાં સૂર્યોદય થયો અને તેના સોનેરી કિરણો સમગ્ર વાતાવરણમાં રેલાઈ ગયા હતા.

       સરદાર સરોવર (નર્મદા) મુખ્યબંધ પર નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પર્યાવરણ અને પૂનવર્સન સભ્ય શ્રી ડૉ. અફરોઝ અહેમદ, પૂર્વ સભ્ય શ્રી ડૉ. એમ.કે.સિન્હા, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંહ, નર્મદા નિગમના સંચાલક શ્રી નરેન્દ્રભાઇ રાવલ, વરિષ્ઠ અધિકારીઓ શ્રી કે.કૈલાશનાથન, મા નર્મદા મહોત્સવના કો.ઓર્ડીનેટર અને જી.એસ.એફ.સી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી એ. એમ. તિવારી, શ્રી એમ. એસ. ડાગુર, સલાહકાર શ્રી બી. એન. નવલાવાલા, નર્મદા યોજનાના ઈજનેરો અને અધિકારીઓ પણ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા.