મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પાલીતાણા ખાતે
કાળભૈરવ મંદિરે દર્શન કરી હવનકુંડમાં શ્રીફળ હોમ્યુ
આદિનાથ દાદામંદિરે ઉપસ્થિત રહી પ્રાર્થના કરી
ભાવનગર, મંગળવારઃ
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજે કાળી ચૌદસના દિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સુપ્રસિધ્ધ કાળભૈરવના મંદિરે દર્શન કરી યજ્ઞ હવનકુંડમાં શ્રીફળ હોમ્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, હું વર્ષોથી કાળીચૌદસના દિવસે અહી પાલીતાણા ખાતેના ભૈરવદાદાના મંદિરે રાજ્ય અને રાષ્ટ્રની સલામતી ખાતર નમસ્કાર કરવા માટે આવુ છુ તેમજ યજ્ઞ વિધિમાં ભાગ પણ લઉ છું. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, કાળીચૌદસે તમામ પ્રકારની કાળાશ દુર થાય અને માણસ માત્રનુ હ્રદય પવિત્ર થાય તેવા શુભ હેતુસર તેમણે કાળભૈરવ દાદાને શિશ ઝુકાવી નમસ્કાર કર્યા હતા. સાથે સાથે સૌના સાથ થકી સૌનો વિકાસ થાય તેવી તેમણે કાળભૈરવ દાદાને પ્રાર્થના કરી હતી. શ્રી રમેશભાઇ શુકલે વિધિ કરાવી હતી
મુખ્યમંત્રીશ્રી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પાલીતાણાની તળેટી સ્થિત આદિનાથ દાદાના મંદિરે પુજા અર્ચનામાં પણ ઉપસ્થિત રહી રાજ્ય અને રાષ્ટ્રનો સર્વાગી વિકાસ થાય તે હેતુસર આદિનાથ દાદાને સજોડે શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું પાલીતાણા ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે અમદાવાદ વેજલપુરના ધારાસભ્યશ્રી કિશોરભાઇ ચૌહાણ, પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ પાલીતાણા શહેર અને તાલુકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.