ફિલ્ડ આઉટરીચ બ્યુરો જુનાગઢ દ્વારા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ અભ્યાસનું પ્રસારણ
જુનાગઢ
યોગ એ આપણા દેશની ઋષિસંસ્કૃતિએ આપણને આપેલી અમૂલ્ય વિરાસત છે. તન અને મનની તંદુરસ્તી જાળવવા માટે યોગ એ શ્રેષ્ઠ સાધન છે. યોગ એ શારીરીક,માનસિક અને સાચું આત્મિક સુખ આપનાર છે. માટે જ હવે માત્ર ભારતના લોકો જ નહિં પરંતુ વિશ્વભરના લોકો યોગને અપનાવી રહ્યાં છે. હવે માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે.યોગના મહત્વને જોતાં ભારતમાં આ ઉજવણીની સાથે ભારત સરકાર દ્વારા યોગ અંગે લોકોમાં રસ અને રૂચી વધે તે માટે જાગૃતતા અભિયાન પણ ચલાવવામાં આવે છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૌરાષ્ટ્ર ઝોનલ કચેરી ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા છેલ્લા એક સપ્તાહથી યોગ અંગે જનજાગૃતતા અભિયાનની ચલાવવામાં આવી રહ્યું છે. યોગ અંગે સચોટ જાણકારી સાથે આવશ્યક માહિતી અને માર્ગદર્શન આપવું સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે એ આ જનજાગૃતતા અભિયાનનો ઉદ્દેશ્ય છે. વધુને વધુ લોકો સુધી જાગૃતતા સંદેશને પહોંચાડી શકાય તે માટે વિવિધ પ્રચાર માધ્યમોના ઉપયોગની સાથે સોશિયલ મીડિયાનો પણ એક માધ્યમ તરીકે સુચારુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંગેની માહિતી આપતા ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આ વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ યોગ જનજાગૃતતા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,ટ્વીટર તેમજ વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયાના માધ્યમોમાં ભારત સરકારના આયુષ મંત્રાલયના યોગ અંગેના દિશા નર્દેશો તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભીત જાણકારી પ્રસારીત કરવામાં આવી છે. યોગાસનો તેમજ પ્રાણાયામ અંગેની સમજ સાથે જાણકારી આપતા લેખો અને વિડીયો અને તેની લીંક પોસ્ટ કરીને વધુને વધુ લોકોમાં યોગ અંગે રુચી વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખી દેશભરમાં 'માય લાઇફ માય યોગા' તેમજ 'ઘર પર યોગ, પરિવાર સાથે યોગ' થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાને રાખી જ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પતંજલી યોગ પ્રચારક પ્રકલ્પના યોગ સેવક શ્રી દીલીપભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જુનાગઢના ફેસબુક પેજ FOB,Junagadh પર સવારે 6.30 કલાકથી યોગ અભ્યાસનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ફેસબુક પેજ પર જોડાઇને લોકો તેમના ઘરે રહીને પણ યોગ કરી શકશે.21 જૂને વધુનેવધુ લોકોને આ ફેસબુક પેજ પર જોડાવા માટે અપીલ પણ કરવામાં આવે છે.
પતંજલી યોગ પ્રચારક પ્રકલ્પના યોગ સેવક શ્રી દીલીપભાઇ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે યોગાસન અને પ્રાણાયામ એ શરીરની તંદુરસ્તી અને મનની કેળવણી માટે અનિવાર્ય છે. નિયમિત યોગ એ શારિરીક-માનસિક સુખની ચાવી છે. આપણી સરકાર અને દેશના યોગગુરુઓના પ્રયાસોથી આજે વિશ્વ આખું યોગને માનતું થયું છે. ભારત સરકાર દ્વારા કરાતા યોગ દિવસની ઉજવણીથી વધુને વધુ લોકો યોગ સાથે જોડાઇ રહ્યાં છે. જે આનંદની વાત છ. જે માટે હું સરકારને અભિનંદન પાઠવું છું. સાથે જ સૌને અપીલ કરું છું કે યોગને માત્ર યોગ દિવસ પૂરતો સીમીત ન રાખતા આપણે સૌએ તેને જીવનશૈલીનો એક ભાગ બનાવવો જોઇએ.