ભાવનગર મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ-ખાતમુહૂર્ત

 

ભાવનગરના બસ મથકનું 10 કરોડના ખર્ચે નવિનિકરણ 

એસ.ટી.નફાનું નહીં, સેવાનું સાધન છે

              - મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી        

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

મીડી બસ, સુપર એક્સપ્રેસ તથા ગુર્જર નગરી સહિત 131 જેટલી નવી બસો સેવામાં અર્પણ

ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (TEAM) વાનનું પ્રસ્થાન  

ભાવનગર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને-દરેક નાગરિકને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેક્નોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ.દરેક નાગરિકને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યું છે. 

ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રૂ. 50 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી સહિત કુલ 131 જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (TEAM) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે, પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે. અમે નવી બસો, આધુનિક બસો અને વોલ્વો જેવી અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. બસ સ્ટેશન પણ એરપોર્ટ જેવા સુવિધા સભર આધુનિક બનાવી, બસપોર્ટ બનાવ્યાં છે. આવનારા દિવસોમાં રાજ્યમાં પર્યાવરણપ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેક્ટ્રિક બસનો પ્રયોગ કરવાની પણ નેમ મુખ્યમંત્રી એ દર્શાવી હતી.

શ્રી વિજયભાઈએ કહ્યું કે બહેતર વાહનવ્યવહારની સુવિધાઓ  સૌને સરળતા એ ઉપલબ્ધ બને, તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

દર વર્ષે એસ.ટી. નિગમમાં નવી બસો ઉમેરતા જવા સાથે આઈ.એસ.ઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બસો ઇનહાઉસ પણ એસ.ટી.ના કર્મયોગીઓ વર્કશોપમાં તૈયાર કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી.એસ. ટેક્નોલોજીનો વિનિયોગ કર્યો છે. બસોનું રીઅલ ટાઇમ મોનિટરિંગ હવે થાય છે એમ તેમણે કહ્યું હતું.

એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સૈનિકોને કન્સેશનની સુવિધા આપી છે. લગ્નપ્રસંગે રૂ.1200 જેટલા ઓછા ભાડામાં ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને બસની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. તાજેતરમાં ગુજરાત પર મંડરાયેલા ‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં પણ દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાઈવાળા સલામત સ્થળે નાગરિકોને લઈ જવા માટે 200 એસટી બસ મૂકવામાં આવી હતી, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આ તકે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એસ.ટી. ન માત્ર સારી સેવા, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે. 

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત થનાર અને નવનિર્મિત બસ સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતનાં 13 સ્થળે ઉપસ્થિત પદાધિકારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં નવીન બનેલ બસસ્ટેશન બસપોર્ટ પ્રકારના બનાવવામાં આવ્યાં છે, ત્યારે આ બસ સ્ટેશનમાં ગંદકી ન થાય, લોકો પાનની પીચકારી મારીને ગંદકી ન ફેલાવે અને બસ સ્ટેશનને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી રાખે તે આપણી સામૂહિક જવાબદારી છે.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થયેલ તેમજ ખાતમુહૂર્ત થયેલ બસ સ્ટેશનમાં સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જૂનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ 21 નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે તથા સ્ટાફ કોલોનીમાં રૂ.32.09 કરોડના ખર્ચે ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર ખાતે તૈયાર થયેલ બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનો સમાવેશ થાય છે.

વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યની જનતાની પરિવહન સેવામાં અહર્નિશ સેવારત છે. સમાજજીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખે આધુનિક સેવાઓને આમેજ કરીને એસ.ટી.ની નવી-નવી સેવાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે જણાવ્યું કે, રોજગાર માટે, સામાજિક વ્યવહાર માટે ગામડેથી શહેર અને શહેરથી ગામડે જવા પરિવહનની છેવાડાના નાગરિકોને વધુ સારી સગવડો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેનું કારણ છે કે આજે એક સાથે અનેક બસ સ્ટેશનોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું છે તથા નવીન બસો જનતાની સેવામાં મૂકાઈ છે. સામાન્ય લોકોની સગવડોને ધ્યાનમાં રાખી જે સગવડો ઊભી કરાઈ છે, તે નાના માણસો માટે સરકાર કેટલી સંવેદનશીલ છે, તેની પ્રત્યક્ષ અનુભૂતિ છે.

એસ.ટી. નિગમના આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ડૉ. શ્રીમતિ ભારતીબેન શ્યાળ, ભાવનગર મહાપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી,  જિલ્લા પંચાયતનાં પ્રમુખ વક્તુબેન મકવાણા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ નાકરાણી, આર.સી. મકવાણા, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ શ્રીમતિ સુનયના તોમર, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રીમતિ સોનલ મિશ્રા, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, મહાપાલિકા કમિશનરશ્રી એમ.એ. ગાંધી, જિલ્લાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.