રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર
કોરોના સંદર્ભે ગ્રામપંચાયતો ઉપર ફરજ અને સત્તા પાલન અંગે તાકીદ
ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંદર્ભે ગ્રામપંચાયતો ઉપર ફરજ અને સત્તા પાલન અંગે તાકીદ કરતો પરિપત્ર પાઠવી અમલવારી માટે જણાવાયું છે.
રાજયના વિકાસ કમિશનરે કોરોના સંદર્ભે ગ્રામ પંચાયતોની ફરજો અને સતા અંગે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને માર્ગદર્શક સૂચના અંગે પરિપત્ર પાઠવી તેનું પાલન કરાવવા જણાવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જણાવ્યું છે કે કોરોના વાયરસ સંબંધે જે તે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં તે વિસ્તારના દરેક વ્યકિતને આ વાયરસની ગંભીરતાની જાણ કરવાની રહેશે. કોરોના વાયરસના સંક્રમિત વ્યકિતના રહેઠાણની જગ્યાએ આ અંગેની સૂચના લગાવવાની રહેશે. સંક્રમતિવ્યકિતના કપડા, બીછાના અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓને જંતુમુકત કરવાની રહેશે. કોરોના વાયરસના સંબંધમાં ગ્રામ પંચાયતના સરપંચ, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી અથવા આ કક્ષાએથી અધિકૃત અધિકારી દ્વારા ઉપનિયમોથી ઠરાવેલ પગલા લેવાની યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.
ગ્રામ પંચાયત વિસ્તારની ગ્રામ પંચાયત કચેરી, સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તથા જાહેર તેમજ ધાર્મિક જગ્યાઓની ઇમારતો જંતુમુકત કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નિયમકારી પગલા લઇ શકશે. તેમજ સંક્રમિત વ્યકિતની રહેઠાણની જગ્યાને પણ જંતુમુકત કરાવવા સંબંધે યોગ્ય પગલા લેવાના રહેશે. કોરોના વાયરસના સંક્રમિત વ્યકિત અથવા તેના સંપર્ક કે સંસર્ગમાં આવેલા તમામ વ્યકિતઓને કોઇપણ જગ્યા પર જવા પર પ્રતિબંધ રહેશે. આવા સંક્રમિત વ્યકિતઓ દ્વારા કે તેના કુટુંબ દ્વારા કોઇ ખાણીપીણી કે ચીજવસ્તુ બનાવવાનો ધંધો કરતા હશે તો તેના વેચાણ પર ગ્રામ પંચાયત પ્રતિબંધ ફરમાવી શકશે. ખાસ પગલા તરીકે તમામ વ્યકિતઓ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે તથા સેનેટાઇઝ માસ્કનો આરોગ્ય વિષયક ગાઇડલાઇન મુજબ નિકાલ કરવાનો રહેશે.
સામાન્ય રીતે ધાર્મિક જગ્યાઓ ઉપર જુદા જુદા પ્રસંગોએ એક થી વધારે વ્યકિતઓ એકઠા થતા હોય છે. આ સંજોગોમાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સાર્વજનિક અથવા ખાનગી જગ્યા ઉપર એકથી વધારે વ્યકિતઓ એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ પણ ગ્રામપંચાયત ઉપર તાકીદ કરવામાં આવેલ છે.