અમદાવાદ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન શ્રીયુત શિન્ઝો આબે અને જાપાનના ફર્સ્ટ લેડી શ્રીમતી અકી આબેનું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમદાવાદ ખાતે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયું હતું.
આગમન પ્રસંગે ભારતના વડાપ્રધાનશ્રીએ જાપાનના વડાપ્રધાનશ્રીને ઉષ્માભેર ભેટીને ભારત અને જાપાનના વર્ષો જૂના સંબંધોની સમગ્ર વિશ્વને પ્રતિતિ કરાવી હતી.
વડાપ્રધાનશ્રી આબે અને શ્રીમતી અકી આબેના આગમન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંધે ઉપસ્થિત રહીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ મહાનુભાવોના આગમન પ્રસંગે એરપોર્ટને વડનગરના કીર્તિતોરણ, બૌદ્ધ સંસ્કૃતિ, કચ્છની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય બેનરોથી શણગારવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે ગુજરાતના ભૂંગળ, શરણાઇ, કાઠિયાવાડી રાવણહથ્થો, ઢોલ અને ભાતીગળ છત્રીથી પરંપરાગત રીતે ભારત અને જાપાનના વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે અને ફસ્ટ લેડી શ્રીમતી અકી આબેનું બૌદ્ધ સાધુઓ દ્વારા બૌદ્ધ પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં જાપાનના વડાપ્રધાન શ્રી આબેના એરપોર્ટ ખાતે આગમન સમયે એરફોર્સ, આર્મી અને નેવીના જવાનો દ્વારા ‘સેરેમોનીયલ ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું.
ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ દેશના વડાપ્રધાન રાજધાની દિલ્હીના બદલે સીધા જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે અને ત્યાર બાદ તેઓ સીધા જ પોતાના સ્વદેશ પરત ફરશે. આ મુલાકાત ગુજરાત અને ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવ સમાન છે.