કેવડિયામાં રૂા.ર૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર અતિ આધુનિક
રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ખાતમુહૂર્ત
.મહાત્મા ગાંધી અને સરદાર વગર આધુનિક ભારતની કલ્પના અસંભવ છે. -રાષ્ટ્રપતિશ્રી
ગુજરાતે દેશની વિરાટ પ્રતિભાની વિરાટતમ પ્રતિમા દ્વારા સરદાર સાહેબને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી આપી છે. -મુખ્યમંત્રીશ્રી
રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિ
કેવડિયા
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે જણાવ્યું છે કે પૂ.મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડાઇની દિશા પ્રદાન કરી, દેશને સ્વતંત્રતા અપાવી હતી. આઝાદી બાદ લોખંડી પુરૂષ સરદાર સાહેબે પોતાની દ્રઢ ઇચ્છાશકિત અને નિર્ણાયક નેતૃત્વ ક્ષમતાથી પ૬ર જેટલા દેશી રજવાડાઓનું એકિકરણ કરી સંગઠિત ભારતનું સ્વરૂપ પ્રદાન કર્યું હતું.પૂ.મહાત્મા ગાંધી અને સરદાર વગર આધુનિક ભારતની કલ્પના અસંભવ છે. દેશના આ બંન્ને મહાન સપૂતો માનવજાતના કલ્યાણ માટે સમગ્ર રાષ્ટ્રને ગુજરાતની દેન છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે અતિ આધુનિક અને દેશના સૌ પ્રથમ ગ્રીન બિલ્ડિંગ એવા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે આજે સરદાર સાહેબની પૂણ્યતિથિ નિમિત્તે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રિય રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલની ઉપસ્થિતિમાં સરદાર સાહેબને આદરાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ સરદાર પૂણ્યતિથિએ યોજાયેલ પ્રાર્થના સભામાં પણ જોડાયા હતા. તેમણે વોલ ઑફ યુનિટી તેમજ વેલી ઑફ ફલાવર્સની પણ મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દે વેસ્ટર્ન રેલવે દ્વારા કેવડીયા ખાતે અંદાજે રૂા.ર૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર અતિ આધુનિક અને દેશના સૌ પ્રથમ ગ્રીન બિલ્ડિંગ એવા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી, અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનુ નિર્માણ કરી, યુગપુરૂષ એવા સરદાર સાહેબને યથોચિત શ્રધ્ધાંજલી આપી છે, તેમ ઉમેર્યું હતું.
રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, કેવડિયાનું અતિ આધુનિક રેલવે સ્ટેશન આકાર પામશે ત્યારે આ વિસ્તારના વિકાસમાં ગતિ આવશે. એટલુ જ નહીં દેશ, વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે યાતાયાતની સુવિધામાં વધારો થશે.
રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા કીર્તિમાનો સ્થાપી, ગુજરાતને ભારત સહિત વિશ્વમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું છે. જેને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પોતાના કુશળ નેતૃત્વથી આગળ વધારી રહ્યાં છે.
રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે જળ સંશાધનોનો અસરકારક વિનિયોગ કરીને સરદાર સરોવર નર્મદા યોજનાના વિશાળ કેનાલ નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇ માટે તથા શહેરો, અને ગામડાઓને પીવાનું પાણી પહોંચાડી સરદાર પટેલના સંકલ્પને સાકાર કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે સમગ્ર વિશ્વમાં સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કરી દેશની વિરાટ પ્રતિભાની વિરાટતમ પ્રતિમા દ્વારા સરદાર સાહેબને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી આપી છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી સમગ્ર વિશ્વમાં એકતાનું પ્રતિક બન્યું છે.
સમગ્ર દેશ સહિત વિશ્વમાં કેવડિયા - એકતા નગર તરીકે પ્રચલિત થઇ રહ્યું છે તેવી લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કેવડિયા આવનારા દિવસોમાં રેલવે સ્ટેશનના નિર્માણથી વિશ્વના નકશામાં અંકિત થશે. મુખ્યમંત્રીશ્રીએ કેવડિયામાં અત્યાધુનિક રેલવે સ્ટેશનના નિર્માણ કાર્ય હાથ ધરવા બદલ ભારત સરકાર અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.
રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલે સૌને આવકાર્યા હતા. તેમણે ગુજરાતના વિકાસમાં રેલવેની ભૂમિકાનો ચિતાર આપતાં કેન્દ્રીય રેલવેમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ગુજરાતમાં રેલવે દ્વારા રૂા.૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રતિવર્ષ રૂા.૩પ૦૦ કરોડનું રોકાણ થાય છે. ગુજરાતના વિકાસની ગતિને તેજ તરાર રાખવા રેલવેનું યોગદાન મહત્વપુર્ણ રહયું છે. સરદાર વલ્લભભાઇ પટેલની ભુમિના કિસાનોની પણ સરકારે ચિંતા કરી છે. તેમના સુચારૂ સુદઢ ભવિષ્યનું નિર્માણ થાય તેવું વ્યવસ્થાપન સરકારે કર્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કેવડીયા મુલાકાત દરમિયાન ભારતના પ્રથમ મહિલા શ્રીમતી સવિતા કોવિન્દ, પંચાયત રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ સર્વશ્રી રામસિંહ રાઠવા, નારણભાઇ રાઠવા, મનસુખભાઇ વસાવા, મુખ્યસચિવ શ્રી જે.એન.સિંધ, સચિવશ્રી એ.કે.રાકેશ, કલેકટર શ્રી આર.એસ.નીનામા, રેલવેના વરિષ્ઠ અધિકારીઓ શ્રી એમ.કે.ગુપ્તા, શ્રી રજનીશ માથુર, શ્રી સંજીવ ભુલાણી, શ્રી યાદવ, શ્રી રવિન્દ્ર સહિત મહાનુભાવો, ગામજનો ઉપસ્થિત રહયા હતા.