હજીરા-ઘોઘા રો-પેક્સ વડાપ્રધાન

હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રારંભ

દિવાળી અવસરે ગુજરાતના લોકોને ઉપહાર - સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતનો દરિયાઇ કાંઠો ગેટ વે ઓફ ઇન્ડિયા બનશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર સોમવાર તા. 09-11-2020

      વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે,  દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર કર્યું છે. તેમણે હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.

     નયા આત્મનિર્ભર ભારતના આયામને સાકાર કરવાના અભિયાન દેશના સમુદ્રી કિનારાઓને વિકાસની પરિભાષાથી સમૃદ્વ બનાવાશે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે,  દરિયાઇ ક્ષેત્રના વિકાસમાં રો-પેક્સ સર્વિસ ઉત્તમ ઉદાહરણ છે. વ્યાપારની સુવિધા સાથે સર્વશ્રેષ્ઠ કનેકટીવીનો લાભ થશે સમય, ઇંઘણની પણ બચત સાથે પર્યાવરણને પણ લાભ થશે. વર્ષમાં ૮૦ હજાર યાત્રીઓ મુસાફરી કરી શકશે. કિસાનો પણ દરિયાઇ માર્ગે સુરક્ષિત રીતે માલનું વેચાણ કરી શકશે.

      ગુજરાતમાં રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવા કઠીનાઇઓ સાથે એન્જિનિયરો, શ્રમિકોનું યોગદાન રહયું છે. જેને હિંમત સાથે કામને વેગ આપ્યો. જેને ભુલી શકાય એમ નથી, એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

      ગુજરાતનો દરિયાકિનારો સમૃદ્વ છે.તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, બે દશકામાં સામુદ્રિક સામર્થ્ય સાથે પોર્ટ કનેકટીવીટીનો વિકાસ એ ગુજરાતનું ગૌરવ છે. શીપ બિલ્ડીંગ પોલીસી, ટર્મીનલનું નિર્માણ, દહેજમાં સોલિડ કાર્ગો, મુંદ્રા પોર્ટ ટર્મિનલને ગ્રાઉન્ડ લેવલ કનેકટીવી થી જોડયું છે.જેનાથી પોર્ટ સેકટરને નવી દિશા મળી છે. કેન્દ્ર-રાજય સરકારે કોસ્ટલ વિસ્તાર ડેવલપ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. બુનિયાદી સુવિધાઓ સુનિશ્વિત કરી છે. ગુજરાતમાં દરિયાઇ કારોબારના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે કેપેસીટી બિલ્ડીંગ પર ખુબ જ ઝડપથી કાર્ય થઇ રહયું હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

      વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સમુદ્રી વ્યાપારને વેગ આપવા મેરીટાઇમ યુનિવર્સિટી દેશનું મોટુ સેન્ટર બનશે. જયાં તાલીમબદ્વ મેનપાવરનું નિર્માણ થશે તેમજ સમુદ્રી કાનુન અને આંતરરાષ્ટ્રીય  વ્યાપાર કાનુનની શિક્ષા સાથે મેરીટાઇમ મેનેજમેન્ટ શીપીંગ અને લોજીસ્ટીકમાં MBA સુધી ની સુવિધા હશે. ઉપરાંત મેરીટાઇમ કલસ્ટર, ભાવનગરમાં વિશ્વકક્ષાનું સીએનજી ટર્મીનલ જેવી અનેક સુવિધાઓ સાથે ગુજરાત બ્લ્યુ ઇકોનોમી ડેવલપ કરવા સજ્જ થઇ રહયું છે. દહેજ-ઘોઘા રો રો ફેરી પુનઃ કાર્યરત કરાશે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, લોથલમાં દેશની સમૃદ્વી વિરાસતની સાચવણી માટે દેશમાં પ્રથમ નેશનલ મ્યુઝીયમ બનાવાશે.

      સમૃદ્ર કિનારાના માછીમારોને મદદ માટે અનેક યોજનાઓ બની છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂા.૨૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતના લાખો માછીમારોને મળશે. સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત ૫૦૦ પ્રોજેકટ કાર્યરત છે. વોટર ટ્રાન્સપોર્ટ થી Cost of Logistics  ઓછી થશે. સરકારનો પ્રયાસ એક બેસ્ટ ઇકોસીસ્ટમ બનાવવાનો છે. જયાં કાર્ગોની Seamless Movement થઇ શકે એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવા ફોકસ થઇ રહયું છે. સીસ્ટમ ડેવલપ સાથે ઇન્ફાસ્ટ્રકચરની બેસ્ટ સુવિધા સાથે સિંગલ વિન્ડો સીસ્ટમના સરળીકરણ સાથે કાર્ય થશે. જેથી ખુબ જ ઝડપથી દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. લોજીસ્ટીક પર થતા ખર્ચને ઘટાડવા દેશ Multimodal Connectivity દિશામાં ઝડપથી આગળ વધી રહયો છે. દરિયાઇ માર્ગે પડોશી રાષ્ટ્રો સાથે પણ વ્યાપારની વિપુલ તકો રહી હોવાનું ઉમેર્યું હતું.

      સરકારે પર્યાવરણ બચાવવાની સાથે વિકાસની ગતી તેજ કરવા દરિયાઇ ટ્રાન્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હવે દેશ બંગાળની ખાડી, હિન્દ મહાસાગરની અભુતપુર્વ ક્ષમતા સાથે વિકાસની અનુભૂતિ કરી રહયો  હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

      દેશમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે તેમ જણાવતાં અને ભારત સરકાર તથા વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતનો દરિયાકાંઠો ભારતનો ગેટ વે બનશે તેમ આ પ્રસંગે કહયું હતું.

      સુરત સાથે સૌરાષ્ટ્રને જોડતી વિશ્વકક્ષાની રો પેકસ સર્વિસના શુભારંભથી ઓછા સમયમાં, ઓછી અંતરના, ઓછા ઇંધણ સાથે પર્યાવરણની સુરક્ષા થશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાનશ્રીની હુંફ, માર્ગદર્શન અને સહાય મળી રહયા છે. જેને કારણે આજે ગુજરાતમાં નવા નવા વિવિધ પ્રોજેકટો શકય બન્યાં છે. અગાઉ ગુજરાતે વર્ષો સુધી અન્યાય સહન કર્યો હતો, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના તમામ સહયોગ થકી ગુજરાત આજે રોલમોડેલ બની શકયું છે. તેમણે ગુજરાતનો ક્રુડ રોયલ્ટીનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયો છે તેમ જણાવી કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ, એઇમ્સ, સંસ્થાઓની નેશનલ ઇન્સ્ટીટયુટ તરીકેની માન્યતા, ટુરીઝમ સેકટર જેવા અનેક ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારની મદદ મળી છે.

      મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જયારે સમગ્ર વિશ્વ સ્થગિત થયું હતું તેવા સમયે ગુજરાતમાં અને દેશમાં વિકાસકાર્યો સ્થગિત રહયા નથી. તેમણે પ્રાચીન સમયમાં પણ ગુજરાત અને તેનો દરિયાકાંઠો સાહસિક વેપારીઓથી ધમધમતો હતો તેમ જણાવી ભવિષ્યમાં પણ ધમધમતો રહેશે તેવી નેમ વ્યકત કરી હતી.

      કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ ગુજરાત માટે સોનેરી અવસર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સદીઓથી ગુજરાત દરિયાઇ વ્યાપાર સાથે જોડાયેલું છે. જેને વેગ આપવાનું મહત્વનું કાર્ય સરકારે કર્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ રો-પેક્સ સેવા શરૂ થઇ છે. લોકોની આકાંક્ષાઓને સરકાર વિકાસના માધ્યમથી પુર્ણ કરી રહી છે. આઝાદીના ૭૦ વર્ષ પછી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહયું છે. વાડીયા ફેમીલીનો  જહાજ બનાવવાનો ઇતિહાસ તેમણે ઉજાગર કર્યો હતો.

       આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદશ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

       આ પ્રસંગે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ.કે.મહેતા, સાંસદશ્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયરશ્રી જગદીશ પટેલ,  જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ, ધારાસભ્યો, અગ્રણીઓ, મેરીટાઈમ બોર્ડના સીઇઓ અવંતિકાસિંઘ, અધિકારીઓ, એસ્સારના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂરતીઓ સાથે કર્યો સીધો સંવાદ

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેરી સર્વિસની શું ફાયદો થવાનો છે તે અંગે સૂરતીઓ સાથે ઈ-માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.

       આ અવસરે સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મુળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વતની નંદલાલભાઇ નાકરાણીએ જણાવ્યું કે, હું ડાયમંડ સાથે સંકળાયેલો છું. જેથી મારે વાર-તહેવારે ગામડે જવું પડે છે. રો-પેકસ ફેરી શરૂ થતા દિવાળીના તહેવારો કે લગ્ન પ્રસંગે ગામડે જવું હવે સરળ બન્યું છે. પહેલા જવા માટે ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગતો હતો જે હવે ચાર થી પાંચ કલાકમાં કોઈ પણ ટ્રાફિક વિના, ઝડપથી પોતાના વાહન સાથે સેફટી સાથે પહોચી જઈશું. એક જ દિવસમાં ગામડે જઈ કામ પૂર્ણ કરીને સુરત પરત આવી જઈશું. આ ફેરી શરૂ કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે શ્રી નાકરાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

       સૂરતી ભકિત શાહે વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા જૈનોનું પવિત્ર યાત્રાધામ જૈનતીર્થ પાલીતાણા ખાતે આવેલું છે. અમે વર્ષમાં અમે એકવાર પાલિતાણા દર્શન કરવા જઈ શકતા હતા. પરંતુ હવે મારી મમ્મી સાથે બાય કાર લઈને એકલી પણ ફેરી મારફતે દર્શન કરવા જઈ શકીશ અને સાંજે પરત પણ ફરી શકીશ.

         સુરત ખાતે રહેતા વર્ષોથી સ્થાયી થયેલા રત્નકલાકાર અને મૂળ સૌરાષ્ટ્રના પાલિતાણાના ગણધોળ ગામના રહીશ ગીરીશભાઈ નાથાભાઈ વાઘેલાએ વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે વર્ષમાં ચારથી પાંચ વાર અમારા વતન જઈએ છીએ. આ સુવિધા શરૂ થવાથી અમારા જેવા હજારો રત્નકલાકારો પોતાના વાહન સાથે સરળતાથી જઈ શકશે. જેના કારણે રોડ પરનું ભારણ ઘટવાની સાથે ટ્રાફિક સમસ્યા હળવી બનશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે.