કોરોના - શ્રમિકો કામદારો સાથે મુખ્યમંત્રીશ્રી સંવાદ

કોરોના વાયરસ કોવિડ-19 લોકડાઉન

ઔદ્યોગિક એકમોમાં આશ્રયગ્રસ્ત શ્રમિકો-કામદારો સાથે મુખ્યમંત્રીશ્રીનો લાગણીસભર સંવાદ

ગાંધીનગર 

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના વાયરસને પરિણામે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં સમાજના અંતિમ છૌરના ગરીબ, શ્રમિક વ્યકિતને પણ કોઇ અગવડતા ન પડે, જીવનજરૂરી ચીજવસ્તુઓ, વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્યના વહિવટીતંત્રને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.

        શ્રી વિજયભાઇ રૂપાણી આ જ સંવેદના સાથે પોતાના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે પ્રત્યક્ષ ટેલિફોનિક વાતચીત-વીડીયો કોલીંગથી તેમની ખબરઅંતર પૂછવા સાથે ફિડબેક પણ મેળવતા રહે છે.

        મુખ્યમંત્રીશ્રીએ આજે સોમવારે આ શૃંખલામાં વધુ સંવેદનાસભર ઉદાત્ત ભાવ દર્શાવતાં રાજ્યના ઔદ્યોગિક કામદાર-શ્રમિકો, પરપ્રાંતિય મઝદૂરો જેઓ લોકડાઉનની સ્થિતીમાં ઊદ્યોગ એકમોમાં જ વસવાટ કરી રહ્યા છે તેમજ શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહ્યા છે તેમની સાથે સીધો સંવાદ વાતચીત કર્યા હતા. તેમણે રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતની ઓટોમોબાઇલ પાર્ટસ ઉત્પાદન કંપનીમાં આશ્રયગ્રસ્ત શ્રમિકો, વડોદરા મકરપૂરામાં કાર્યરત ઓઇલ મીલ સંકુલમાં રહેલા કામદારો તેમજ અમદાવાદના ચાંગોદરની બેકરી પ્રોડકટસ કંપનીના કારીગરો જેઓ સંકુલમાં જ હાલ વસવાટ કરે છે તેમની સાથે વાતચીત કરી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ આ શ્રમિકો માટે ઊદ્યોગ ગૃહોએ કરેલી આવાસ-ભોજન-નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ કારીગરો સાથે સંવાદ કરીને મેળવી હતી. 

        સુરત મહાનગરમાં શેલ્ટર હોમમાં આશ્રયગ્રસ્ત મધ્યપ્રદેશના-૧૯, યુ.પી.ના-૧પ, મહારાષ્ટ્રના-૧૧, બિહારના-૧ર તેમજ ગુજરાતના સુદૂર જિલ્લાઓના પ૧ જેટલા શ્રમિકો-કામદારો સાથે પણમુખ્યમંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.

        મુખ્યમંત્રીશ્રીએ આ બધા જ શ્રમિકો-કામદારોને નિયમીત મેડીકલ ચેકઅપ, સેનેટાઇઝર, માસ્ક, બે ટાઇમ પૂરતું ભોજન વગેરેની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પૃચ્છા કરીને વિગતો મેળવી હતી.

        લાભાર્થીઓ-શ્રમિકોએ રાજ્ય સરકારે કરેલી આ ઉત્તમ વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરી કોરોનાની મહામારી સામેના જંગમાં તેઓ પણ રાજ્ય સરકારની સાથે પોતાના યથાયોગ્ય યોગદાનથી જોડાઇને વિજય મેળવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં દર્શાવ્યો હતો.