અર્થતંત્ર-ઊદ્યોગોમાં લાભ લેવા ગુજરાત સજ્જ

કોરોનાની સ્થિતી પછી વિશ્વના અર્થતંત્ર-ઊદ્યોગોમાં આવનારા ફેરફારોનો મહત્તમ લાભ લેવા ગુજરાત સજ્જ
 
મુખ્યમંત્રીશ્રીએ જાપાન-કોરિયા-યુરોપિયન રાષ્ટ્રો-એશિયન કન્ટ્રીઝના વિવિધ ઊદ્યોગોને ગુજરાતમાં ઉત્પાદન-કારોબાર માટે પ્રેરિત કરવા આયોજનબદ્ધ કાર્યયોજનાને ઓપ આપ્યો 
 
નવા આવનારા ઊદ્યોગોની મુખ્યમંત્રીશ્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાતો
 
ગાંધીનગર 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને પરિણામે સર્જાયેલી સ્થિતી પછી જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય, આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પૂન: ધબકતી થાય ત્યારે ગુજરાત તેનું મહત્વનું કેન્દ્રબિંદુ બને તે દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. 
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશ્વના અગ્રણી રાષ્ટ્રોના ઊદ્યોગો, રોકાણો મોટાપાયે આવે, રોજગારી વધે સાથોસાથ આનુષાંગિક ઊદ્યોગોને પણ વેગ મળે અને સ્થાનિક રોજગારીની તકો પણ મહત્તમ  વધે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  
કોરોના વાયરસની સ્થિતીના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારાધિન છે. 
મુખ્યમંત્રીશ્રીએ આવી વિદેશી કંપનીઓ માટે ભારત અને ખાસ કરીને દેશનું અગ્રણી રાજ્ય ઇન્ડસ્ટ્રીયલ હબ-મેન્યૂફેકચરીંગ હબ એવું ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ બની રહે તે દિશામાં સક્રિય આયોજનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 
આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ૩૩ હજાર હેકટર જમીન વિવિધ ઔદ્યોગિક વસાહતો ખોરજ, સાણંદ, દહેજ SEZ, સાયખા, ધોલેરા SEZ તેમજ અન્ય પ્રાયવેટ SEZમાં ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ વિગતો અને પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા GIS બેઝડ લેન્ડ બેન્કના માધ્યમથી સરળતાએ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. 
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતે ર૦૧૯-ર૦ના વર્ષમાં પ્રથમ કવાર્ટરમાં રૂ. ર૪ હજાર કરોડનું વિદેશી મૂડીરોકાણ FDI મેળવેલું છે. એટલું જ નહિ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા ૨૫૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩૪ ઊદ્યોગો ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEMમાં દેશનો ૫૧ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. 
આ બધી જ વિશેષતાઓ ઉપરાંત પારદર્શી અને ઓનલાઇન એપ્રુવલ્સ નોપેન્ડન્સી, સહિતની ઊદ્યોગ સાનુકુળ સંપૂર્ણ ઇકોસિસ્ટમ સાથે ગુજરાત દેશમાં ઔદ્યોગિક રોકાણો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનેલું છે. 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આ પ્રગતિ-ગતિ સતત જળવાઇ રહે અને ચાયનાથી અન્યત્ર ઉત્પાદન એકમો ખસેડવા માંગતા દેશો-રાષ્ટ્રોના ઊદ્યોગો માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ બની શકે તે માટે તંત્રને પ્રેરિત કર્યુ છે. 
મુખ્યમંત્રીશ્રીએ આવા જે નવા ઊદ્યોગો રાજ્યમાં આવે તેમને મંજૂરીની બધી જ પ્રક્રિયા ઓનલાઇન કરીને માત્ર ૭ દિવસમાં જમીન ફાળવણી અને અન્ય જરૂરી પરવાનગીઓ ૧પ દિવસમાં આપી દેવાની પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. 
શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન, વિદેશ મંત્રાલયના સહયોગથી જે-તે રાષ્ટ્રની એમ્બેસીઝનો અને ઊદ્યોગોનો સંપર્ક કરીને ગુજરાતમાં ઊદ્યોગ શરૂ કરવા પરામર્શ કર્યો છે. 
એટલું જ નહી, જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રો, કોરિયાની કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી-કોટ્રા, તેમજ અમેરિકાની યુ.એસ.આઇ.એસ.પી.એફ અને યુ.એસ.આઇ.બી.સી.ના સંકલનમાં પણ રાજ્ય સરકારે ગુજરાતમાં આવનારા દિવસોમાં તેમના દેશોના ઊદ્યોગો પ્રેરિત કરવા કાર્યવાહિ હાથ ધરી છે. 
મુખ્યમંત્રીશ્રીએ આવા વિવિધ દેશોના ઊદ્યોગોને જમીન મેળવવા સહિતની પ્રારંભિક કામગીરીમાં સરળતા માટે અલગ અલગ ડેસ્ક બનાવવાનો તેમજ રાજ્યમાં આવનારા આવા પ્રોજેકટ્સના સંકલન માટે નોડલ ઓફિસર નિમવાનો પણ નિર્ણય કર્યો છે. 
શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા નવા પ્રોજેકટ્સ આવતાં વધુ લોકોને રોજગાર મળી રહે સાથોસાથ કામદારો-શ્રમિકોના હિતોનું રક્ષણ પણ થાય તેવી નેમ સાથે શ્રમ સુધારા લેબર રિફોર્મ્સની પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો આ બેઠકમાં કરી છે. 
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નવા આવનારા પ્રોજેકટ-ઊદ્યોગોને પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર-મિનીમમ વેજીસ એકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ શ્રમિક અકસ્માત વળતર-કોમ્પેનસેશન એકટની જોગવાઇઓના અમલ સિવાય અન્ય એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. 
તેમણે રાજ્યના શ્રમ વિભાગને આ હેતુસર ઓર્ડિનન્સ તૈયાર કરવા પણ સૂચનાઓ આપી છે. 
મુખ્યમંત્રીશ્રીએ આવા અન્ય રાષ્ટ્રોના જે ઊદ્યોગો ગુજરાતમાં આવે તેમને જો ઇચ્છા હોય તો જોઇન્ટ વેન્ચર પાર્ટનર શોધવા પણ રાજ્ય સરકાર મદદરૂપ થાય તેવું સૂચન ઊદ્યોગ અગ્ર સચિવશ્રીને બેઠક દરમ્યાન કર્યુ હતું. 
મુખ્યમંત્રીશ્રીના કુશાગ્ર નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ છે. દેશના GDPમાં ૭.૯ ટકા અને નિકાસમાં ર૦ ટકા યોગદાન આપીને અગ્રીમ રાજ્ય બન્યું છે. 
હવે, વિશ્વના અર્થતંત્રની આવનારા દિવસોમાં બદલાનારી સ્થિતીમાં વિશ્વભરના ઊદ્યોગો માટે ગુજરાતને આકર્ષણનું કેન્દ્ર બનાવી રાજ્યમાં મહત્તમ રોજગારી, MSME વૃદ્ધિ અને આનુષાંગિક વેપાર ઊદ્યોગને ધબકતા કરીને ગુજરાત ફરી એકવાર દેશનું દિશાદર્શન કરે તેવી સ્થિતીના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ગહન માર્ગદર્શન આપ્યું હતું. 
મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપૂલ મિત્રા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.