વડાલ એશિયાઈ સિંહ સંભાળ કેન્દ્ર

ભારતભરમાં પ્રથમ વડાલ ખાતે અતિ આધુનિક   એશિયાઈ સિંહ સંભાળ કેન્દ્રનું ઉદઘાટન 

વન્ય જીવોના સંરક્ષણ માટે સુવિધાઓ ઉભી કરાશે   - મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

ભાવનગર

     પાલીતાણા તાલુકાના વડાલ ખાતે ગુજરાત સરકારના વન,આદિજાતિ વિકાસ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા વન્ય જીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા ભારતભરમાં પ્રથમ એશિયાઈ સિંહ સંભાળ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

     આ એશિયાટિક લાયન કેર સેન્ટરમાં ફુલટાઈમ વેટરનીટી ડોક્ટર,લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર,તેમજ એનિમલ કીપર હાજર રહેશે.ઉપરાંત આ કેન્દ્રમાં વન્યપ્રાણીઓના બચાવ માટે ટ્રાંકીલાઇઝિંગ ગન,લેબોરેટરી,એક્સ રે,ઓપરેશન થિયેટર,પોસ્ટમોર્ટમ રૂમ,આધુનિક પિંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.અતિઆધુનિક એવું આ વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ભારતભરમાં પ્રથમ છે

     આ એશિયાઈ સિંહ સંભાળ કેન્દ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વનવિભાગના આ કાર્યને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે વન્યજીવો ના રેસ્ક્યુ તેમજ સારવાર માટે આ સેન્ટર આશીર્વાદ રૂપ સાબિત થશે.વધુમાં જણાવ્યું હતું કે વન્ય જીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડ તથા ગુજરાત સરકાર દ્વારા 250 કરોડ ફાળવવામાં આવ્યા છે અને વન્યજીવોની તકેદારી માટે સરકાર હંમેશ જરૂરી પગલાં લેવા કટિબદ્ધ છે અને તેથી જ એક સમયે માત્ર 18 ની સંખ્યા પહોંચી ગયેલી સિંહોની સંખ્યા આજ 600 ને પાર થઈ ચૂકી છે. પોતાની જીવનશૈલીને વન્યપ્રાણીઓને અનુરૂપ ઢાળવા બદલ સૌરાષ્ટ્રવાસીઓનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સાસણ પર પર્યટકોનું ભારણ ન વધે તે માટે સાસણમાં શરૂ કરાયેલ નવા સફારી પાર્ક જેવો જ સફારી પાર્ક સિહોર ખાતે પણ શરૂ કરવાની જાણકારી આપી હતી.તેમજ આ કાર્યક્રમમાં વન્યપ્રાણીઓ દ્વારા મારણ કરાયેલા પશુ માલિકોને વળતરરૂપે ચેક અર્પણ કરાયા હતા.

     આ કાર્યક્રમમાં પાલિતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુંબેન મકવાણા, વન વિભાગના અગ્ર વન સંરક્ષક શ્રી શર્મા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી નાગજીભાઈ વાઘાણી તેમજ બહોળી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.