બોટાદ - કોરોના સમિક્ષા

બોટાદ : કોરોના સામેના જંગમાં જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરીની સમિક્ષા 

કામગીરીને બિરદાવતા અધિક મુખ્ય સચિવશ્રીકરતાં અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર

બોટાદ 

            રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સમિક્ષા અર્થે જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલીત નારાયણસીંગ સાંદુ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની સાથે એક બેઠક યોજી હતી. જેમાં સબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયાં હતા.

            રાજયના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે બોટાદ જિલ્લામાં કોરોના વાયરસની ઉદ્દભવેલી પરિસ્થિતિથી માહિતગાર બની કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓની વિસ્તૃત સમિક્ષા કરી હતી.

            આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાધ ધરાયેલ કામગીરીની વિસ્તૃત રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૫૬ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે પૈકી ૨૨ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે ૩૩ કેસ હાલમાં સક્રિય છે.  જિલ્લાના જે વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવના કેસો જોવા મળ્યા છે, તે તમામ કન્ટેનમેન્ટ વિસ્તારોના લોકોને તકલીફ ન પડે તેને ધ્યાને લઈ સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોને શોધી શકાય તે માટે કોન્ટેકટ ટ્રેસીંગ સીસ્ટમ થકી ઓળખીને તે તમામ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારો એવા વોરાવાડ અને ખોજાવાડ સમગ્ર વિસ્તારને સી. સી. ટીવીથી આવરી લેવામાં આવ્યો છે, અને તેનું મોનીટરીંગ જિલ્લા કલેકટરની ચેમ્બરમાંથી થઈ શકે તેવી સઘન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.            

            અધિક મુખ્ય સચિવશ્રીએ જિલ્લા તંત્ર દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતુ કે, પરિવર્તનશીલ સમયમાં સરકાર તેની વ્યુહરચના સાથે કોરોના સામેના જંગમાં સક્રિયતાથી કાર્ય કરી રહી છે. તેને ધ્યાને લઈ બોટાદ જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણને નાથવા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા તથા સુક્ષ્મ/સતત સુપરવિઝન કરવા સૂચન કર્યુ હતુ. તેમણે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે અને સોશ્યલ ડીસ્ટન્સીંગની સાથે લોકો લોકડાઉનના નિયમોનું ચૂસ્તતાથી પાલન કરે તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતુ. તેમણે આ તકે આરોગ્યની પરિસ્થિતિની વિસ્તૃત સમિક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતુ.

            બેઠક બાદ અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે જિલ્લા સેવા સદન ખાતે ઉભા કરવામાં આવેલ વોર રૂમની તથા શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારો એવા વોરાવાડ અને ખોજાવાડની તેમજ સાળંગપુર ખાતે બનાવવામાં આવેલ કોવીંડ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.