કોરોના સંક્રમણ - પોલીસ કડકાઈ

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પોલીસ હવે કડકાઈ  કરશે 

CCTV કેમેરાઓની ત્વરિત ચકાસણી કરી લોકડાઉનનો ભંગ કરનાર  સામે ગુનો દાખલ થશે - રાજ્ય પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા

ગાંધીનગર 

કોરોનાનું સંક્રમણ હવે રાજયમાં અત્યંત નિર્ણાયક તબક્કામાં છે ત્યારે લોકોની સુરક્ષા એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે. લોકડાઉનનો લોકો ચુસ્ત અમલ કરે અને ઘરમાં જ રહીને આ સંક્રમણનો સામનો કરે તે માટે પોલીસ સતત જાગૃત છે. 'હવેથી રાજ્યના હોટ્ સ્પોટ વિસ્તારો અને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટવાળા ક્ષેત્રો ઉપર પોલીસ તેનું પેટ્રોલિંગ વધારશે તથા આ અંગે જરૂર લાગે ત્યાં વધુ પોલીસ સંખ્યા બળ પણ ઉમેરશે તેમ રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું.   

કોરોના  મહાબિમારી સામે ગુજરાતમાં હવે આકરા પગલાં લીધા સિવાય છૂટકો નથી. આ માટે  વહીવટી તંત્ર  સાથે પોલીસ વિભાગ  હવે કડકાઈ કરશે અને વધુ સખતાઈ   દાખવવા જઈ રહી છે, તેમ ગુજરાતના  પોલીસ મહાનિર્દેશક શ્રી ઝા દ્વારા સ્પષ્ટ કરાયું છે.

''આ પ્રકારના વિસ્તારોમાં વધુ ફોકસ કરીને બેરિકેટીંગ કરવા સાથે ચેકપોસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. એટલું જ નહિ, શહેરોમાં જયાં-જ્યાં સીસીટીવી કે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શક્ય નથી ત્યાં ધાબા પોઇન્ટ બનાવીને જરૂરી સર્વેલન્સની કાર્યવાહી પણ વધુ સઘન કરવામાં આવશે'', તેમ તેમણે ઉમેર્યું હતું. 

આ સમગ્ર કામગીરી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ન ખોરવાય અને તેની સપ્લાય ચેઇન સતત ચાલુ રહે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો પણ પોલીસ સતત કરતી રહેશે તેવું જણાવી શ્રી ઝાએ ઉમેર્યુ હતું કે, ''ડ્રોન-સીસીટીવી મારફત તો સર્વેલન્સ ચાલુ જ રહેશે પરંતુ હવેથી સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનું રેન્ડમ ચેકીંગ કરીને પણ લોકડાઉનનો જો ભંગ થતો જણાશે તો તે લોકો સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવશે''

ગ્રામ્ય સ્તરે પોલીસ દવારા નિયુક્ત ગ્રામ મિત્રની મદદથી જો કોઈ લોકડાઉનનો ભંગ કરતુ હોય તેની સામે કાર્યવાહી કરવા તથા ગામમાં જો કોઈને કોરોનાના લક્ષણો દેખાય તો પોલીસ ગ્રામમિત્રની મદદથી આરોગ્ય વિભાગને જાણ કરીને આવી વ્યક્તિની આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

આ દરમિયાન રાજ્યમાં બે ગુનાઓ એવા સામે આવ્યા છે, જેમાં જે-તે આરોપીએ નકલી દસ્તાવેજોના આધારે નકલી પાસ બનાવ્યા હતા. વલસાડ અને ભરૂચ પોલીસને ધ્યાને આવેલા આ પ્રકારના વ્યક્તિઓ સામે લોકડાઉન ભંગ ઉપરાંત બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અને ગુનાઇત કાવતરા સહિતની કડક કલમો લાગુ પાડીને ગુન્હા નોંધવામાં આવ્યા છે. વળી, આ પ્રકારની કોઈપણ ગુનાઇત પ્રવૃત્તિથી બચવા શ્રીઝા એ લોકોને અપીલ કરી હતી. લોકડાઉનના આ સમયમાં હાઈ-વે ઉપર પણ પેટ્રોલિંગ સખત બનાવીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પણ ડીજીપી શ્રી ઝાએ આપી હતી. 

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નોંધાયેલા વિવિધ ગુનાઓ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ડ્રોનથી ગઇ કાલે ૪૩૮ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ડ્રોન સર્વેલન્સ મારફતે કુલ ૪૯૦૧ ગુનાઓમાં ૧૦,૮૪૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઇ કાલે ૬૮ ગુનાઓ  નોંધીને ૧૧૧ લોકોની અટકાયત  કરવામાં આવી છે, જયારે અત્યાર સુધીમાં ૭૭૪ ગુનાઓ  નોંધીને ૧૩૦૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોશ્યિલ મીડિયા દ્વારા ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવીને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ગઇ કાલે ૨૩ ગુના મળી અત્યાર સુધીમાં ૨૫૩ ગુના સાથે ૪૭૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, અફવા ફેલાવતા પાંચ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે.

વિડીઓગ્રાફી દ્વારા ૫૪ તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (એએનપીઆર) મારફત ૨૯ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ગઈકાલથી (૧૨ એપ્રિલથી ) આજદિન સુધીમાં જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોઈએ તો તે ૩૨૭૧, કવોરેન્ટીન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૧૧૮૫, અન્ય ગુનાઓ ૪૯૧, આરોપીની અટકાયતની કુલ સંખ્યા ૭૨૫૮ તથા જપ્ત થયેલા વાહનોની સંખ્યા ૨૮૩૦ ઉપર પહોંચે છે. તબલિગી સિવાયના સુરા ગ્રુપ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ ગ્રુપના ૧૩ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમની ઓળખ થઇ ગઈ છે અને તેઓ અમદાવાદ, કર્ણાટક, ભરૂચ અને તમિલનાડૂ અને હરિયાણાના હોવાનુ જણાયુ છે.