લોકભારતી સણોસરા ખાતે ઉત્સવ સપ્તાહ સમાપન

લોકભારતી સણોસરા ખાતે 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે'
ઉત્સવ સપ્તાહનું સોમવારે સમાપન 
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને મહાનુભાવોની રહેશે ઉપસ્થિતિ
 
ઈશ્વરિયા શનિવાર તા.૨૬-૨-૨૦૨૨
સમગ્ર દેશમાં રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે યોજાયેલા ' વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' વિજ્ઞાન સપ્તાહની ભાવનગર જિલ્લામાં સણોસરા લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉજવણી થઈ છે, જેનું સમાપન સોમવારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે થશે.
સમગ્ર દેશમાં રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ સ્થાનો પર 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' વિજ્ઞાન સપ્તાહ ઉજવણીમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી થતાં અહીંના વડા લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે ભાવનગર જિલ્લામાં ત્રણ સ્થાનો સણોસરા, માઈધાર તથા ભાવનગર ખાતે સમાંતર પ્રદર્શન, નિદર્શન તથા માર્ગદર્શનના કાર્યક્રમનો વિદ્યાર્થીઓ તેમજ રસિકોને લાભ મળ્યો છે.
'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' ઉત્સવ સપ્તાહનું લોકભારતી સણોસરા ખાતે સોમવારે સવારે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે 'ઈફકો' અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી અને પીડીલાઈટ સંસ્થાના ગ્રામવિકાસ વિભાગના વડા શ્રી પી.ડી.શુકલાની ઉપસ્થિતિમાં સમાપન થશે. 
લોકવિજ્ઞાન કેન્દ્ર સણોસરાના વડા શ્રી અરુણભાઈ દવેના નેતૃત્વ માર્ગદર્શન સાથે લોકભારતીના વિવિધ શૈક્ષણિક વિભાગોના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાતીઓને સુંદર સમજ અપાઈ છે. 
સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી સાથે મુખ્ય જવાબદારીમાં શ્રી વિશાલભાઈ ભાદાણી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમભાઈ શુક્લ, શ્રી અર્ચનાબેન દવે તેમજ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા સુંદર સંકલન રહ્યું છે.