આત્મનિર્ભર ભારત મહિલાઓની ભૂમિકા વેબીનાર

ફિલ્ડ આઉટરીચ બ્યુરો જુનાગઢ અને ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન મહિલાઓની ભૂમિકા વેબીનાર

મહિલાઓની સશક્ત ભૂમિકાથી નિર્માણ પામશે આત્મનિર્ભર ભારત - દેવેન્દ્ર ત્રિવેદી      
 
જૂનાગઢ 
        આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશના તમામ ક્ષેત્રોનો ઝડપી વિકાસ થાય અને અર્થતંત્ર પુનઃધમધમતું થાય  તે માટે કેન્દ્ર સરકારે પેકેજના અમલીકરણ માટે ત્વરીત નિર્ણયો પણ લીધાં છે. મહિલા સશક્તિકરણના વર્તમાન સમયમાં મહિલાઓની શક્તિ રાષ્ટ્રના વિકાસમાં હંમેશા ઉપયોગી નીવડી છે ત્યારે આત્મનિર્ભિર ભારતનું નિર્માણ પણ મહિલાઓની સશક્ત ભૂમિકા વિના અધૂરું છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં સરકારના પગલાં અને યુવાનોની સક્રિય ભૂમિકા વિષય પર આચોજીત વેબિનારને સંબોધન કરતાં આ વાત કહી હતી.

           કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ અને ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સિહોર દ્વારા આત્મનિર્ભિર ભારત અભિયાનમાં સરકારનાં પગલાં અને મહિલાઓની સશક્ત ભૂમિકા વિષયે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. વેબીનારના મુખ્ય વક્તા જૂનાગઢની ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આસિસટન્ટ પ્રોફેસર તેમજ વક્તા જાગૃતિબેન જાદવે મહિલા સશક્તિકરણ વિશે પોતાના અભિપ્રાયો પ્રગટ કરવાની સાથે દેશની કોઇપણ મહિલા તેના હાથમાં રહેલા કૌશલનો ઉપયોગ કરીને સ્વનિર્ભર બનવા માટે સક્ષમ છે. મહિલાઓમાં રહેલી તેમની વિશેષ આવડત જેવી કે મહેંદી મૂકતા આવડવી, બ્યુટી પાર્લર, સારી રસોઇ કરતા આવડવી, ભરતગૂંથણ કે અન્ય કોઇ હસ્તકલામાં પારંગત હોવું વગેરેનો ઉપયોગ કરીને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે તેમ જણાવ્યું હતું. સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાનો લાભ પણ લઇ શકે છે અને એ પ્રકારે તે આત્મનિર્ભર ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે છે.

     ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કેન્દ્ર સરકારે રજૂ કરેલ આત્મનિર્ભર ભારત પેકેજની વિગતવાર જાણકારી પૂરી પાડતા વેબીનારમાં જોડાયેલ સર્વેને પેકેજના વિભિન્ન પાસાઓથી માહિતગાર કર્યા હતાં.  વર્તમાન સમયમાં દેશના નાગરિક તરીકેની આપણી ફરજોને પણ પૂર્ણ નિષ્ઠાથી નિભાવવાની અપીલ કરવાની સાથે જણાવ્યું હતું કે કોરોના સંકટનો સામનો સરકાર અને આપણે  સૌએ સાથે મળીને કરવાનો છે. સરકારની માર્ગદર્શીકાઓનું પાલન કરવું એ આપણી ફરજ છે અને એ પ્રકારે આપણે સ્વસ્થ અને સુરક્ષીત રાષ્ટ્રનું પણ નિર્માણ કરવાનું છે.  વેબીનારના સહઆયોજક ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય યોગેશભાઇ જોશીએ સરકારના આત્મનિર્ભિર ભારત અભિયાનને બિરદાવતાં આ અભિયાનને સફળ બનાવવા આપણાથી બનતું બધુ જ કરવું જોઇએ અને તે વર્તમાન સમયની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. 

વેબીનારમાં ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ રાજ્યના વિભિન્ન જિલ્લામાંથી ઘણા લોકોએ ભાગ લીધો હતો.