'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' ઉજવણી સણોસરા

'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણીમાં સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી
તા.૨૨થી તા.૨૮ દરમિયાન લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લામાં પ્રદર્શન કાર્યક્રમો યોજાશે
 
ઈશ્વરિયા શનિવાર તા.૧૯-૦૨-૨૦૨૨
સમગ્ર દેશમાં રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' સાપ્તાહિક વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ માટે રાષ્ટ્રીય કક્ષાએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી થઈ છે. તા.૨૨થી તા.૨૮ દરમિયાન લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લામાં વિવિધ આયોજનો થયા છે.
ગુજરાત અને ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે કે સમગ્ર દેશમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે ૭૫ કેન્દ્રોની પસંદગીમાં ગુજરાતના ત્રણ પૈકી સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી થઈ છે, જ્યારે અન્ય વડોદરામાં શ્રી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય અને અમદાવાદમાં શ્રી ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે પણ વિજ્ઞાન સપ્તાહ ઉજવાશે.
ઉલ્લેખનિય છે કે, સણોસરા  ખાતે પાંચ છ દસકાથી કાર્યરત લોકવિજ્ઞાન કેન્દ્ર આસપાસના પંથક ઉપરાંત મુલાકાતીઓ માટે સરળતાથી વિજ્ઞાન સમજમાં આવે તે અભિયાનમાં રહેલ છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, સામાન્ય માણસ કે શિક્ષકો અને અન્ય રસિકો માટે આ કેન્દ્ર આકર્ષણરૂપ બન્યું છે. આસપાસ ગામોમાં વિવિધ નિદર્શન કે કાર્યક્રમો અને શિબિરો વગેરેના લાભ મળી રહેલ છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અને જાણિતા લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના જણાવ્યા મુજબ આ કેન્દ્રનો ઉદ્દેશ્ય રહસ્યમય અને અઘરા લાગતા વિજ્ઞાન વિષયને સરળ અને સહજ સમજ આપવાનો છે, ત્યારે આ વિજ્ઞાન સપ્તાહ દરિયાન સણોસરા ઉપરાંત માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલય તથા ભાવનગર ખાતે બળવંત પારેખ વિજ્ઞાન નગરી સંસ્થા સાથે પણ આ ઉપક્રમનો લાભ મળનાર છે.
'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' વિજ્ઞાન સપ્તાહમાં પ્રારંભ તથા સમાપન દરમિયાન સણોસરા, માઈધાર અને ભાવનગર ખાતે વિજ્ઞાન અને શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ આયોજનમાં ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને તેના અધિકારીઓ પણ જોડાયેલા છે.
રાષ્ટ્રના વિવિધ ૭૫ સ્થાનોમાં સણોસરાને એટલે કે ભાવનગર જિલ્લાની પસંદગી એ ગૌરવરૂપ બાબત હોઈ ભાવનગર જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ જે તે શૈક્ષણિક સંસ્થાઓને આ વિજ્ઞાન સપ્તાહમાં જોડાવા અનુરોધ કરેલ છે. લોકભારતી સંસ્થા દ્વારા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો લાભ ખેડૂતો, પશુપાલકો અને કારીગર વર્ગ વધુ પ્રમાણમાં લઈ શકે તે હેતુથી સંસ્થાના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા છે.