પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું અવસાન
એક દિવસના શોકની જાહેરાત
અમદાવાદ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન આજે 93 વર્ષની અવસાન થયું છે. એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
શ્રી કેશુભાઈ પટેલના અવસાનના સમાચાર મળતા પેટા ચૂંટણીના તમામ પ્રચાર કાર્યક્રમો મુલતવી રાખ્યા હતા. આ પ્રચારમાં રહેલા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાયા હતા. રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી.
જનસંઘ અને ભાજપમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવી ચૂકેલા શ્રી કેશુભાઈ અટલબિહારી બાજપાયી સહીત ટોચની નેતાગીરી સાથે સારી છાપ ધરાવતા હતા. કેશુભાઈના અવસાનથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાષ્ટ્રીય નેતાઓએ અંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપ સુધીની સફર ખેડી હતી. જેમણે મગ્ર જીવન રાષ્ટ્રના અને સમાજ માટે ઉમદા કામ કર્યું તેવા ખેડૂતપુત્ર અને આપણા વડીલ કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે. ભગવાન સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી શરુ કરી ભાજપને વટવૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે.
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના વિસાવદર ખાતે થયો હતો. જનસંઘના સ્થાપક સભ્ય તરીકે તેમણે પક્ષમાં સેવા આપી હતી. 1985માં ગુજરાત ભાજપ પ્રદેશના જનરલ સેક્રેટરી બન્યા હતા અને તેઓ અનેક પદે કામ કર્યા બાદ 1995માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.રાજકારણમાં ભાજપના ભિષ્મપિતામહ તરીકે પણ તેમને ઓળખવામાં આવતા હતા. તેઓ 1998માં પણ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. 2 ઓક્ટોબર 2001ના રોજ તેઓએ આ પદેથી રાજીનામું આપ્યું હતું. 2002માં તેેઓ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. 4 ઓગસ્ટ 2012 તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતા અલગ પક્ષ ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના કરી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલનો વિસાવદર બેઠકથી વિજય થતા જીપીપીને કુલ બે બેઠકો મળી હતી.
જાન્યુઆરી 2014માં તેમણે જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપ્યું હતું અને બાદમાં ધારાસભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું હતું. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની દિલ્હી તરફ આગેકૂચ થતા તેમણે ગુજરાત ભાજપને છોડીને ગયેલા કેશુભાઈ પટેલને મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં મંચ પર વિશેષ સ્થાન આપ્યું હતું અને 24 ફેબ્રુઆરી 2014ના રોજ જીપીપીને ભાજપમાં ભેળવી દેવામાં આવી હતી.