પ્રશ્નપત્ર ફૂટી જતા લોકરક્ષક ભરતી પરીક્ષા રદ્દ - 8 લાખથી વધુ પરીક્ષાર્થી પરેશાન થયા
પરીક્ષાર્થી રોષે ભરાયા - કેટલીક જગ્યા પર ચક્કાજામ
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ પરીક્ષાર્થીઓને વાહન ભાડું સરકાર ચુકવશે તેમ જાહેરાત કરી
આ નિર્ણય મહેનત કરનાર પરીક્ષાર્થી માટે હિતકારક
ગાંધીનગર રવિવાર
લોકરક્ષક ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા આજે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી જેથી 8 લાખથી વધુ પરીક્ષાર્થી જે તે કેન્દ્રો પર પહોંચ્યા હતા તે પરેશાન થયા હતા તેમજ પરીક્ષાર્થી રોષે ભરાયા હતા કેટલીક જગ્યા પાર ચક્કાજામ કરાયા હતા. દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ પરીક્ષાર્થીઓને વાહન ભાડું સરકાર ચુકવશે તેમ જાહેરાત કરી છે. આ નિર્ણય મહેનત કરનાર પરીક્ષાર્થી માટે હિતકારક છે તેમ જણાવાયું છે. આ કરતૂત કૌભાંડમાં પ્રથમ એક મહિલા બાદ વીસથી વધુ વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું છે.
આજે લોકરક્ષક ભરતી પંચ અધ્યક્ષ શ્રી વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પ્રશ્નપત્ર ફોડી નખાયું છે, જેથી લોકરક્ષક ભરતી માટેની આ પરીક્ષા આજે રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા અગાઉ પ્રશ્નપત્ર ફૂટવાના મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે, તેમણે જણાવ્યું છે કે આ મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે. પરીક્ષાર્થી જે તે કેન્દ્રો પર પહોંચ્યા હતા તે પરેશાન થયા હતા. .
રાજ્ય પોલીસ ભરતી પંચ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી. ત્રિસ્તરીય બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે 2,440 શાળા/મહાશાળાના 29,200 કેન્દ્રોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ ચુસ્ત નિયંત્રણ ગોઠવાયું હતું તે અગાઉ જ આ બાબત ધ્યાને આવી હતી. કુલ 100 ગુણની પરીક્ષાનો સમય સાંજે 3થી 4 કલાકનો હતો. જો કે પરીક્ષા આપતા ઉમેદવારોને પૂરતી ચકાસણી કરી લેવાની હોય બપોરે 12થી 2:3૦ કલાક દરમિયાન કેન્દ્ર પાર પહોંચવા સુચનોએ આપવામાં આવી હતી.
પરીક્ષા રદ્દ કરાયાની સૂચના આ પરીક્ષાર્થીઓને આપવામાં આવતા સ્વાભાવિક જ તેઓ રોષે ભરાયા હતા અને સરકાર અને પરીક્ષા તંત્રને ભાંડવા લાગ્યા હતા. હિંમતનગર, ગઢડા તેમજ કેટલાક અન્ય કેન્દ્રો પાર ચક્કાજામ પણ કરાયો હતો અને પોલીસે દ્વારા તકેદારી દાખવવી પડી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પરેશાન થયેલા પરીક્ષાર્થીઓને પરીક્ષા ન લેવાતા વાહન ભાડું સરકાર ચુકવશે તેમ જાહેરાત કરી છે.
પ્રશ્નપત્ર ફૂટી જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી તે એક રીતે મહેનત કરનારા અને સખત તૈયારી કરનાર પરીક્ષાર્થી માટે હિતકારક છે, તેમ જણાવાયું છે. આ પ્રશ્નપત્ર ફોડવાનું કરતૂત કરનાર પ્રથમ એક મહિલા બાદ વીસથી વધુ વ્યક્તિઓની ટોળકી આ કૌભાંડમાં હોવાનું બહાર આવ્યું છે હવે આગળ શું થાય તે સરકારના પગલાં પરથી જોવું રહ્યું.