રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર
થયેલ રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત
જળ બિરદારી ગુજરાત દ્વારા અભિનંદન પાઠવાયા
ઈશ્વરિયા શુક્રવાર તા.૭-૧-૨૦૨૨
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જળ પુરસ્કાર ૨૦૨૦ની કરેલી જાહેરાતમાં ગુજરાતને પણ સ્થાન મળ્યું છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર એકમોને ગુજરાત જળ બિરદારી દ્વારા અભિનંદન પાઠવાયા છે.
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતને પણ સ્થાન મળ્યું છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના જાહેર થયેલ આ રાષ્ટ્રીય પુરસ્કારોમાં જોઈએ તો પશ્ચિમ વિભાગના સર્વશ્રેષ્ઠ જિલ્લા તરીકે દ્વિતીય સ્થાને વડોદરા જિલ્લાને સંયુક્ત પુરસ્કાર જાહેર થયો છે. સાબરકાંઠાના તખતગઢ ગામને પશ્ચિમ વિભાગની સર્વશ્રેષ્ઠ ગ્રામપંચાયત તરીકે પ્રથમ અને કચ્છના કંકાપર ગામને દ્વિતીય સ્થાને પુરસ્કાર જાહેર થયેલ છે.
ગુજરાતમા વાપીને સર્વશ્રેષ્ઠ શહેરી સ્થાનીય એકમ તરીકે પ્રથમ, ગાંધીનગરમાં આઈ.આઈ.ટી. પરિસર ઉપયોગ માટે સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે દ્વિતીય, વેલ્સપન ઈન્ડિયા ટેક્સટાઈલ ગુજરાતને સર્વશ્રેષ્ઠ ઉદ્યોગ તરીકે પ્રથમ પુરસ્કાર જાહેર થયેલ છે. સર્વશ્રેષ્ઠ સ્વૈચ્છીક સંસ્થા માટેનો પ્રથમ પુરસ્કાર અમદાવાદની કોસ્ટલ સેલીનીટી પ્રિવેંશન સેલને અને તૃતિય પુરસ્કાર સંયુક્ત રીતે ભાવનગરની વિવેકાનંદ અનુસંધાન અને પ્રશિક્ષણ સંસ્થાને જાહેર થયેલ છે. જ્યારે સી.એસ.આર.કામગીરી માટે દ્વિતીય પુરસ્કાર અદાણી ફાઉન્ડેશન ગુજરાતને જાહેર થયેલ છે.
ગુજરાત જળ બિરદારીના સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે રાજ્યના વિવિધ એકમ સંસ્થાનોને કેન્દ્ર સરકારના જાહેર થયેલા પુરસ્કારોથી આનંદ સાથે અભિનંદન પાઠવ્યા છે અને ગુજરાત એ પાણી, નદી તથા પર્યાવરણ ક્ષેત્રે સજાગ છે અને વધુ પ્રવૃત્તિ અભિયાનોમાં રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય અંતર્ગત મંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ૧૧ શ્રેણીઓમાં આ ત્રીજા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતનું સ્થાન પણ કેટલાંક પુરસ્કારો સાથે સારું રહ્યું છે.