અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી : ખેડૂતોના કરોડો રૂાના ચુકવણા સરકારી તંત્રમાં અટવાઈ ગયા
રાજકોટ
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે ચુકવણા માટે પ્રક્રીયા સુધારવાની તાતી જરૂર હોવાની દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ નબળા વહીવટીતંત્રને લીધે નિર્દોષ ખેડૂતોના કરોડો રૂાના ચુકવણા સરકારી તંત્રમાં અટવાઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે જ સરકાર ચુકવણામાં વિલંબ કરી રહી હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં રૂા 626 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે, જયારે ચુકવણું માત્ર 61 કરોડનું કરવામાં આવ્યું છે તેમાં પણ જે જિલ્લાઓમાં સૌથી વધુ ખરીદી થઈ છે તેવા રાજકોટ જિલ્લામાં 118 કરોડની ખરીદી સામે માત્ર રૂા 10 કરોડનું અને સુરેન્દ્રનગર જિલ્લામાં 252 કરોડની ખરીદી સામે માત્ર 45 લાખ રૂા.નું જ ચુકવણું થયા હોવાનું જાણવા મળે છે.
સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની જે ખરીદી કરવામાં આવી છે તેની સંકલિત વિગતો જાહેર કરી ખરીદી કરનારા સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મગફળીની ખરીદી માટે જે 233178 ખેડૂતોની નોંધ થઈ છે તેમાંથી 54818 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. હજુ નોંધાયેલા 178360 ખેડૂતો રાહમાં છે.
આજ સુધીમાં કુલ 1094365 કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે જેની ચુકવવા પાત્ર રકમ રૂા 547 કરોડ 18 લાખ થાય છે. અલબત તેમાંથી આજ સુધીમાં 96 કરોડ 10 લાખ ચુકવાયા છે. સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓના ચુકવણા સંદર્ભમાં સુત્રોએ ઉમેર્યું હતું કે સૌથી વધુ મગફળીની ખરીદી રાજકોટ, જૂનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાંથી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કુલ 9 જિલ્લામાંથીજે મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેની કુલ રકમ રૂા 626 કરોડ થાય છે. પરંતુ ચુકવણું આજ સુધીમાં માત્ર 61 કરોડ 39 લાખનું થવા પામ્યું છે ચુકવણામાં વિલંબ થવાના કારણોની ચર્ચા સંદર્ભે જણાવાયું હતું કે, નાફેડની અવારનવાર રજૂઆત છતાં દિલ્હીથી પૈસા આવતા નથી. બીજુ કારણ એ છે કે મગફળીની ખરીદી વિજાણુ પ્રણાલીથી કરવામાં આવે છે પરંતુ ચુકવણી માટે વેરહાઉસીંગ કોર્પોરેશનને રસીદ પહોંચાડવાની કામગીરી અન્ય રીતે કરવામાં આવે છે જે તમામ રસીદ અઠવાડીયાની ભેગી કરીને નાફેડને મોકલવામાં આવે છે જેના કારણે ચુકવણામાં મોડુ થાય છે.
આ કારણો અંગે ઉચ્ચસ્તરે રજુઆત કરીને ચુકવણા માટે પ્રક્રીયા સુધારવાની તાતી જરૂર હોવાની દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ નબળા વહીવટીતંત્રને લીધે નિર્દોષ ખેડૂતોના કરોડો રૂાના ચુકવણા સરકારી તંત્રમાં અટવાઈ ગયા છે.
( વિગત સૌજન્ય : ગુજરાત મિરર દૈનિક )