કોરોના સાવચેતીના પગલે ઘરેથી જ શ્યામ ભગવાનના દર્શન કરી લેવા અનુરોધ
તુલસીશ્યામ
ગીરમાં આવેલ પ્રસિધ્ધ તુલસીશ્યામ તીર્થધામમાં પણ હાલની કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષી સાવચેતી માટે દર્શન સહિતના વિભાગો બંધ કરવા શ્રી તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.
તુલસીશ્યામ તીર્થધામમાં અન્નક્ષેત્રની ઉજળી પરંપરા વર્ષોથી અખંડ ચાલી રહી છે પરંતુ હાલ રાષ્ટ્ર હિત સર્વોપરી ગણી પ્રથમ વખત અન્નક્ષેત્ર પણ બંધ કરવામાં આવ્યું છે. કોરોના સાવચેતીના પગલે આગામી ૩૧ માર્ચ સુધી તુલસીશ્યામ મંદિરમાં ભોજનશાળા, વિશ્રાન્તિ ગૃહ અને શ્યામ ભગવાનના દર્શનની વ્યવસ્થા સહિતના વિભાગો બંધ રાખેલ છે.
ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ વરૂએ જણાવ્યું હતું કે, અમાસના દિવસે શ્યામ ભગવાનના દર્શને આવવાની અનેક ભાવિકોની પરંપરા છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભાવિકોને સ્વયંભૂ સહકાર આપી ઘરેથી જ શ્યામ ભગવાનના દર્શન કરી લેવા તેમણે અનુરોધ કર્યો છે. તુલસીશ્યામના અન્નક્ષેત્રમાં દરેક દર્શનાર્થીને વિનામૂલ્યે ભોજનની અખંડ પરંપરા રહી છે પરંતુ હાલ કોરોનાની સ્થિતિનો સામનો સૌ એ એક થઇ કરવાનો છે ત્યારે તેમાં સહયોગ આપવા તુલસીશ્યામ મંદિરની અન્નક્ષેત્રની પરંપરાને તોડવામાં આવી છે.