લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ વ્યાખ્યાન
ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ
અવસ્થા છે - શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ
લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને
શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાન
ઈશ્વરિયા ગુરુવાર તા.06-01-2022
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં સંતવાણી મર્મજ્ઞ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુએ કહ્યું કે, ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે.
જાણિતા વક્તા સંતવાણીના આરાધક મર્મજ્ઞ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુએ 'સંતવાણી અને જીવનમૂલ્યો' વિષય પર વ્યાખ્યાન આપતા સંત ભક્ત પરંપરા સાથે અધ્યાત્મક્ષેત્રની બાબતો રજૂ કરી જણાવ્યું કે, ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. સંતોનું જીવન એક લોકશાળા જ હતી. લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે, જે માટે સૌને વધુ પૂરક બનવુ જરૂરી હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી.
આ વ્યાખ્યાનના સવારના સત્રમાં શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુએ ભક્ત એટલે સગુણ અને સંત એટલે નિર્ગુણ એમ તુલના કરી ઉમેર્યું કે, સહન કરે તે સંત અને સંતપે તે સંસાર. તેઓએ કટાક્ષ કરતા કહ્યું કે, આપણાં સંતોએ સોનાના ઈંડા વાળા દેવાલયો નિર્માણ કરવા નહિ, તમામને આશ્રય આપવા, વંચિતોને સ્થાન આપતા આશ્રમો સ્થાપ્યા હતા. બપોરના સત્રમાં નારી સંત પરંપરાના ભક્ત કવયિત્રીઓ લોયણ, ગંગાસતી, તોરલ, સાથે રૂપાંદે માલદે, દેવાયત પંડિત દેવળદે, મીરાંબાઈ, નરસિંહમહેતાની રચનાઓ સાથે ઘણી પ્રાસંગિક વાતો કરી.
કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ સાંપ્રત પરિસ્થિતિ સાથે સંસ્થાના સંચાલન અને આગામી અસયોજનોની વાત કરી મૂલ્યો માટે શિક્ષણ કેળવણી માટે મંડ્યા રહેવાની વાત કરી શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુને આવકાર આપ્યો હતો.
પ્રભાવશાળી સંચાલનમાં શ્રી વિશાલભાઈ ભાદાણી તથા શ્રી વિશાલભાઈ જોષી રહ્યા હતા.
અહીં નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ બે વર્ષના કોરોના કાળ તેમજ વાવાઝોડાના વિનાશ સાથે સંસ્થાની કામગીરી અને અહેવાલ રજુ કર્યો. શ્રી કાંતિભાઈ ગોઠીએ આ પ્રસંગે મળેલા સંદેશાઓનું વાંચન કર્યું.
શ્રી રામચંદ્રભાઈ પંચોળીએ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુને ચાદર અર્પણ કરી સન્માન અભિવાદન કર્યું, જ્યારે આભારવિધિ શ્રી હસમુખભાઈ પટેલે કરી.
વાર્ષિકોત્સવ વ્યાખ્યાન દરમિયાન શ્રી ભાવનાબેન પાઠક સાથે શ્રી મહેશભાઈ પરમાર અને શ્રી રમાબેન દેવમુરારિ સાથેના સંગીત વૃંદ દ્વારા વિવિધ ગાન પ્રાર્થના વગેરે રજૂ થયેલ.