ખેડૂતોને પાકની નુક્સાનીના વળતરની જાહેરાતો પોકળ
સરકાર સર્વે કરાવશે પણ સહાય ચૂકવવાના નિયમો જ અવાસ્તવિક:' ખેડૂતોને નામની જ સહાય મળશે
રાજકોટ શુક્રવાર તા.04-09-2020
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અતિવૃષ્ટિને લીધે ખેતીને ઠેર ઠેર વ્યાપક નુક્સાન ગયું છે. સરકારે ખેડૂતોનો વિરોધ પારખીને પંદર દિવસમાં નુક્સાનીનો સર્વે કરીને ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે સરકારની જાહેરાત આભાસી અને લોલીપોપ સમાન છે તેવું ખેડૂત અગ્રણીઓ કહી રહ્યા છે. ખેડૂતોને મળે તો પણ તે રકમ સાવ નગણ્ય હશે.
ભારતીય કિસાન સંઘના રાજકોટ શહેર પ્રમુખ દિલીપ સખીયા કહે છે, ખેડૂતોને વરસાદથી વ્યાપક નુક્સાન ગયું છે પણ સરકારની જાહેરાતો પોકળ દેખાય છે. કઠોળ અને તલના પાકો નિષ્ફળ ગયા છે ત્યારે સરકારે જાહેર કરેલી શરતો અવાસ્તવિક છે. સરકારે એવું જાહેર કર્યું છેકે, હેક્ટર દીઠ મહત્તમ રુ. 20 હજારની સહાય કરાશે. એ ગણતરીએ વીઘે રુ. 3000ની સહાય મહત્તમ પ્રાપ્ત થઇ શકે એમ છે. સરકાર આ રકમ ચૂકવે તો તેનાથી બિયારણનું ખર્ચ પણ નીકળે નહીં. આ રકમને સહાય કેવી રીતે ગણવી એ સવાલ છે.
તેમણે કહ્યું કે, સરકારે મહત્તમ 33 ટકા નુક્સાન હોય તો જ સહાય માટેની પાત્રતા ઠેરવી છે. આવા નિયમો ચાલી શકે નહીં. સરકારી વ્યાખ્યા પ્રમાણે 25 ઇંચ કે તેનાથી વધારે વરસાદ 48 કલાકમાં પડયો હોય તો જ તે અતિવૃષ્ટિની વ્યાખ્યામાં આવે છે. આવા નિયમો હોય તો ખેડૂતોને કશું મળે નહીં. આમ આ યોજના ભ્રામક છે.
દિલીપભાઇ કહે છે, હવે રાજ્ય સરકારે કેન્દ્રની વીમા યોજના લાગુ જ નથી કરી ત્યારે ત્યાં ભરવામાં આવતું પ્રિમિયમ બચી જ ગયું છે. આ પ્રિમિયમ સરકાર ખેડૂતો વતી ભરતી હતી. હવે આ રકમ જ ખેડૂતોને ચૂકવી દેવામાં આવે તો કોઇ સર્વે પણ કરવાની જરુર નથી.
વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન શકીલ એહમદ કે.પીરઝાદા કહે છે, રાજ્ય સરકાર મુખ્યમંત્રી કિસાન યોજનાનો પ્રચાર કહી રહી છે. જેની અમુક શરતો હાલના વર્ષ માટે અશક્ય જેવી છે એટલે ખેડૂતો માટે યોજના કોઇ કામની નથી.
48 કલાકમાં 25 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો જ આ યોજના લાગુ પડે છે જે સંભવ નથી. વાંકાનેર વિસ્તારમાં શાકભાજી, તલ, મરચી વગેરે પાકો નિષ્ફળ ગયા છે. ચારો નિષ્ફળ ગયો છે. મગફળીમાં 60 ટકા નુક્સાન છે ખેતરોમાં હજુ પાણી છે. એવા સંજોગમાં કિસાન યોજનાની શરતો પૂરી ન થતા સહાય મળવાપાત્ર હોય એમ સ્પષ્ટ દેખાય છે. એ જોતા સરકાર સર્વે કરીને રિપોર્ટ આપે તો પણ કોઇ ફાયદો નથી.