ગાંધીજીને પુષ્પાંજલી આપતા જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે

14th , September 2017

સાબરમતી આશ્રમમાં ગાંધીજીને પુષ્પાંજલી આપતા                                      જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે

વડાપ્રધાન શ્રી મોદી સાથે આબે દંપતિએ હ્રદયકુંજની મુલાકાત લીધી

જાપાનીઝ વડાપ્રધાનનો નોંધપોથીમાં સંદેશ ‘શિન્ઝો આબે તરફથી પ્રેમ અને શાંતિનો સંદેશ’

અમદાવાદ

        ગુજરાતના બે દિવસના મહેમાન બનેલા જાપાનીઝ પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબે અને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી નદી કિનારે આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સ્મરણાંજલિ આપી હતી. બંને મહાનુભાવો સાથે શ્રીમતી અકી આબે પણ જોડાયા હતા.

 

        અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી લોકાભિવાદન ઝીલી પ્રધાનમંત્રી શ્રી મોદી તથા શ્રી શિન્ઝો આબે સીધા ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સર્વ પ્રથમ હ્રદયકુંજની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીશ્રી મોદી, આબે દંપતિને હ્રદયકુંજ સુધી દોરી ગયા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીના ચિત્રને સૂતરની આંટી ચઢાવી હતી. તે પછી ગાંધીજી જે રૂમમાં રેંટિયો કાંતતા હતા, તેની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીશ્રી મોદીએ ત્યાં રેટિયો તથા ખાદી વિશે શ્રી આબેને માહિતગાર કર્યા હતા.

 

        ભારતીય પરંપરાગત વસ્ત્ર કોટી અને ઝભ્ભામાં સજ્જ શ્રી શિન્ઝો ઓબેને શ્રી મોદી ગાંધીજીની પ્રતિમા તરફ દોરી ગયા હતા. જ્યાં મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પાંજલી આપી હતી.

 

        તે બાદ આ મહાનુભાવોએ સાબરમતી રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી. અહીં રાખવામાં આવેલા અને અમદાવાદની ઓળખ સમાન કાષ્ટના ચબૂતરા પ્રત્યે આબે દંપતિ આકર્ષિત થયા હતા અને કાષ્ટના ચબૂતરાની રસપૂર્વક માહિતી મેળવી હતી. અહીં તેમણે થોડી મિનિટો વિરામ પણ કર્યો હતો.

 

        ગાંધી આશ્રમ દ્વારા રાખવામાં આવેલી નોંધ પોથીમાં જાપાનના વડાપ્રધાનશ્રી આબેએ પોતાની માતૃભાષામાં ટૂંકો સંદેશો લખ્યો હતો. જેનો ગુજરાતીમાં તરજુમો આ મુજબ થતો હતો. "શિન્ઝો આબે તરફથી પ્રેમ અને શાંતિનો સંદેશ"

 

        ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઇએ આ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જ્યારે, બાળાઓ દ્વારા આશ્રમ ભજનાવલીના ભજનો પ્રસ્તુત કર્યા હતા. આમ, ગાંધી આશ્રમની મુલાકાત રૂપે જાપાનના વડાપ્રધાન જીવનભરનું સ્મરણ ભાથું બાંધી ગયા હતા.