ભાવનગર પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર

આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને મંજૂરી

ભાવનગર બન્યું દેશનું બારમું તેમજ રાજયનું ત્રીજું પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર

ભાવનગર જિલ્લાને કોરોનામુક્ત કરવા પ્લાઝમા થેરાપી સંશોધન આગામી સમયમાં ચોક્કસપણે અસરકારક સાબિત થશે - ડીન શ્રી ડો.હેમંત મહેતા

ભાવનગર

આઈ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા ભાવનગર જિલ્લાને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ છે. આ અંગે વધુ વિગતો આપતાં મેડિસીન વિભાગના મુખ્ય તપાસકર્તા ડો.સુનિલ પંજવાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર. પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમા થેરાપી સંશોધન અંગેની મંજૂરી મળે તે માટે માંગણી કરાઈ હતી. જે અંગે આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર જિલ્લાના તમામ પરિમાણો ચકાસી ગત તા.૧૯ એપ્રિલના રોજ જરૂરી એ.ઓ.યુ. કરાયા હતા અને ત્યારબાદ ૨૭ એપ્રિલે ભાવનગર મેડીકલ ટીમના તમામ સભ્યો સાથે પરામર્શ બાદ ગત ૩૦ એપ્રિલના રોજ ભાવનગર મેડિકલ કોલેજને આ પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ હતી.

મેડીકલ કોલેજ, ભાવનગરના ડીન શ્રી ડો.હેમંત મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો આ થેરાપીના સફળ પરિણામો મળે તો કોઈ નવા રોગ કે વાઇરસ કે જેની દવા ઉપલબ્ધ ન હોય ત્યારે આ થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવમાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતી તેમજ મેડિકલ કોલેજના તમામ સભ્યોએ આ થેરાપીની મંજૂરી ભાવનગરને મળે તે માટે ખૂબ તત્પરતા દર્શાવી હતી અને આઈ.સી.એમ.આર દ્વારા મંજૂરી માટે માંગવામાં આવેલ તમામ આધારો, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ડોક્યુમેન્ટેશન પુરા પાડવામાં આપણે સફળ રહ્યા હતા. જેના પરિણામે ભાવનગરની મેડિકલ કોલેજને આ મંજૂરી મળવામાં સફળતા હાંસલ થઈ. ભારતભરમાં પ્લાઝમા થેરાપીના ૨૫ સેન્ટરો મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર મેડીકલ કોલેજને રાજ્યની ત્રીજી અને દેશની બારમી પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી મળતા આગામી સમયમાં ભાવનગર જિલ્લો ચોક્કસપણે કોવિડ-૧૯ પર વિજય મેળવી કોરોનામુક્ત જિલ્લો બનશે.