મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ કરવાના ગુજરાત વડી અદાલતના આદેશ સામે સર્વોચ્ચ અદાલતનો સ્થગન આદેશ
મંત્રી તરીકે યથાવત - ધારાસભ્ય પદ પણ હાલ બચી ગયુ
નવી દિલ્હી
ગુજરાતના કાનૂન-ન્યાય અને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સર્વોચ્ચ અદાલતે રાહત આપી છે. ધોળકા વિધાનસભા બેઠકની તેમની ચૂંટણી રદ કરવાના ગુજરાત વડી અદાલતના આદેશ સામે સ્થગન આદેશ આપ્યો છે. જેથી શ્રી ચુડાસમા હવે કેબીનેટ મંત્રી તરીકે યથાવત રહેશે તથા તેમનું ધારાસભ્ય પદ પણ હાલ બચી ગયુ છે.
વર્ષ 2017માં શ્રી ચુડાસમા ધોળકા વિધાનસભા બેઠક પરથી 327 મતોએ ચૂંટાયા હતા પણ તે સમયે મતગણતરીમાં ટપાલના 429 મત પત્રો ત્યાંના ચૂંટણી અધિકારીએ ‘રદ’ કર્યા હતો જે નિર્ણયને પ્રતિસ્પર્ધી પરાજીત ઉમેદવાર શ્રી અશ્વિન રાઠોડે પડકાર્યો હતો અને મતગણતરીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબત ભારે ઉહાપોહ થયો હતો.
જોકે આ દરમિયાન એક તબકકે ચૂંટણી પંચ પણ તેના સોગંદનામામાં મતગણતરીમાં અનિયમિતતાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં ઉમેદવાર શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અંગત સચિવની મતગણતરી સ્થળે કોઈ અધિકાર વગર જ ફરતા હતા અને અધિકારીઓને સૂચના આપતા હતા તે પણ સ્પષ્ટ સાબીત થયુ હતું.
ગુજરાત વડી અદાલતે તમામ સ્થિતિ તથા તેની સમક્ષ રજુ થયેલા પુરાવાને ધ્યાનમાં લઈને શ્રી ચુડાસમાની આ ચૂંટણી રદ કરી હતી. જેના કારણે તેમનું ધારાસભ્યપદ પણ આપોઆપ રદ થતુ હતું અને તેઓને મંત્રીપદે પણ રહેવાનો ભય હતો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શ્રી શાંતાનાગૌડર એ બન્ને અદાલતના ચુકાદા સામે ‘સ્ટે’ આપતા ચૂંટણીપંચ તથા પરાજીત ઉમેદવાર શ્રી અશ્વિન રાઠોડને નોટીસ પાઠવી હતી.
શ્રી ચુડાસમા તરફથી ધારાશાસ્ત્રી શ્રી હરીશ સાલ્વે અને શ્રી કૌલ તથા શ્રી રાઠોડ તરફથી શ્રી કપિલ સિબ્બલ રજુ થયા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા ચૂંટણી પંચ તથા શ્રી રાઠોડને 14 દિવસનો સમય આપ્યો છે. આમ હાલ આ મુદ્દે સર્વોચ્ચ અદાલતે સ્થાગન આદેશ આપ્યો છે.