સુરત : મૂલ્યવાન જીવનરક્ષા સાથે અર્થતંત્ર વેગીલું રહે એ માટે ડાયમંડ અને ટેક્ષટાઈલ કર્મીઓને તાલીમબદ્ધ કરાયા
ચાર લાખ રત્ન કલાકારોને તાલીમથી સજ્જ કરવાનું આયોજન
સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને રત્ન કલાકારોનું અમૂલ્ય જીવન બચાવવા તેમજ સુરતનું અર્થતંત્ર વેગવંતુ બની રહે તે માટે ડાયમંડ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટો કોરોના સામે એક આદર્શ યુનિટ તરીકે કામ કરે અને સૌ સલામત રહે તેમજ રોજગારી પણ ચાલુ રહે તેવા ભાવથી રત્નકલાકારો અને ડાયમંડ યુનિટના વ્યવસ્થાપકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે,
સંવેદનશીલ એવા ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રમાં સ્ટેન્ડીંગ ઓપરેશનલ પ્રોસિજર તૈયાર કરવામાં આવી અને બંને ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ પણ કરવામાં આવ્યો. SOP તથા કોરોના સંક્રમણ બાબતે સાવચેતી રાખવાના પગલાં અને તકેદારીની સંયુકત તાલીમ પાયાના લેવલ સુધી રત્નકલાકાર કે ટેક્ષટાઈલના કામદારો સુધી પહોંચે તે માટે ક્રમિક સાંકળ દ્વારા છેલ્લા દસ દિવસમાં તાલીમ સંપન્ન થઈ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યો અને શિક્ષકો ઉપરાંત આઈ.ટી.આઈ. સુરતના ચાર ઈન્સ્ટ્રકટરોને માસ્ટર ટ્રેનર તરીકે પસંદ કરીને સુરત મહાનગરપાલિકાના ચીફ ટ્રેનર ડો.હિરનેશ ભાવસારના નેતૃત્વમાં અંદાજિત ૧૩૦ કર્મચારીઓને તાલીમ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેઓ દ્વારા છેલ્લાં દસ દિવસમાં સુરતના ડાયમંડ યુનિટો જેવા કે, શ્રી હરિકૃષ્ણ એક્સ્પોર્ટ, એસ.આર.કે. એક્ષપોર્ટ, ડાયમંડ બ્રોકર એસોસિયેશન, વિનસ જવેલ, શેરૂ જેમ્સ, સી. દિનેશ, ધર્મનંદન ડાયમંડ, એશિયન સ્ટાર, કે.જી.એન. કંપની, લક્ષ્મી ડાયમંડ, રાધેશ્યામ ડાયમંડ, જી.બી. બ્રધર્સ, કે.પી. સંઘવી તથા અન્ય મળી કુલ લગભગ ૨૦ જેટલા ડાયમંડ યુનિટના ૧૨૦૦, જેટલા એચ.આર. સ્ટાફને ટ્રેનર તરીકે સુરત મહાનગરપાલિકાના ચીફ ટ્રેનર તથા સ્કુલ બોર્ડના શિક્ષકો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યાં હતા. જે પાયાના લેવલે તાલીમ આપશે. તેવી જ રીતે ટેક્ષટાઈલ ક્ષેત્રમાં રઘુવિર માર્કેટ, સર્વોદય માર્કેટ, સ્ટાર રેયસ, અરહમ જેમ્સ, ડિમોન્ડ, મિલેનીયમ, અશોકા ટાવર, એન.ટી.એમ, સુરત સિલ્ક સીટી ટેક્ષટાઈલ માર્કેટ, જગદંબા માર્કેટ જેવા ૨૫૦ જેટલા ટેક્ષટાઈલ ક્ષેત્રના માર્કેટ કમિટી સભ્યો અને સ્ટાફને પણ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
તાલીમ વર્ગો દરમ્યાન બંને ક્ષેત્રો તરફથી તાલીમી ટીમ અને સહભાગીઓ દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. અને ઉત્સાહભેર કોરોના SOP નું પાલન કરવા અને કોરોનાને હરાવવા સંકલ્પબદ્ધ થયા છે.
ડાયમંડ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટને કોરોના સામે રક્ષાકવચ સાથે કાર્યરત રહે અને મૂલ્યવાન જિંદગી પણ સલામત રહે તેના ભાગરૂપે એક આદર્શ યુનિટ બની કાર્યરત રહે, અર્થતંત્ર વેગીલું રહે તેવા આશયથી સુરત ખાતે ખાસ ફરજ પરના આરોગ્ય સચિવશ્રી મિલિંદ તોરવણે, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની અને કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ દ્વારા એક મહત્વના નિર્ણય મુજબ સુરતના ડાયમંડ અને ટેક્ષટાઈલ યુનિટો કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસોમાં એક આદર્શ આચાર સંહિતા સાથે કાર્યરત છે.
મહાનગરપાલિકા તરફથી ડોક્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટરશ્રી હિરનેશ ભાવસારે તાલીમની વિગતો આપતા જણાવ્યું કે, તાલીમનો મુખ્ય આશય માર્ગદર્શિકાના નિયમોના ચુસ્ત પાલનમાં સહભાગી તમામ સ્ટેક હોલ્ડર્સના સહિયારા પ્રયાસો સાર્થક થાય, રત્નકલાકારો, કામદારો, નાગરિકો તથા કારખાના અને દુકાનધારકો તેના ઉલ્લંઘન બદલ દંડનીય કાર્યવાહીથી બચી શકે, કોરોના આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે કોરોનાની લાંબી લડાઈ સામે લોકો વર્તમાન આદતોમાં બદલાવ લાવે, કોરોના માર્ગદર્શિકાને સુસંગત જીવન શૈલીમાં પરિવર્તન લાવે અને વ્યક્તિગત, પારિવારિક સામાજિક અને રાષ્ટ્રના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે તે છે.
તાલીમના આ નવતર અભિયાનને તમામ સહભાગી તરફથી ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે તે પણ આવકારદાયક છે.
આ અભિયાનમાં શાસનાધિકારી શ્રી વિમલ પટેલ, ઉપશાસનાધિકારીશ્રી રાગિણીબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના શિક્ષકગણ તથા આઈ.ટી.આઈના ઇન્સ્ટ્રક્ટરો સર્વશ્રી સંદીપ પટેલ, વિરેન્દ્ર પટેલ, મયુર પટેલ અને મયુર ભોજ દ્વારા પેસિવ કોરોના યોદ્ધા તરીકે ભગીરથ પ્રયત્ન કરાયો છે. આ અવિરત પ્રયત્નો કોરોનાની લડાઈના સમય દરમ્યાન સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવાની પણ નેમ છે. સમગ્રતયા પ્રોજેક્ટ મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.પી. બનાવવા શહેરી વિકાસ અધિકારીશ્રી ધર્મેશ મિસ્ત્રીનું યોગદાન રહ્યું છે.
ડાયમંડ યુનિટના માલિકો અને અગ્રણીઓ સર્વશ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી વસંત ગજેરા, શ્રી સેવંતીભાઇ શાહ, શ્રી સવજીભાઈ ધોળકિયાએ ડાયમંડ યુનિટોને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે રત્ન કલાકાર ભાઈબહેનોનું મૂલ્યવાન જીવન સલામત રહે તેવી વ્યવસ્થા બદલ અભાર વ્યક્ત કર્યો હતો. ટેક્ષટાઈલ એસો.ના અગ્રણીઓ અશોકા ટાવર શ્રી રંગનાથ શારદા, કૈલાશ હકીમ, રઘુનાથ માર્કેટ રાજૂ ખેતાન, આનંદ અગ્રવાલ, ફોસ્ટા ડિરેક્ટરશ્રી સંચેતીએ પણ આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા કરવામાં આવેલી વ્યવસ્થાની સરાહના કરી આવકારી હતી.