હવે ગુજરાતના રાજકારણમાં અને શાસનમાં બઘડાટી શરુ...
આત્મારામ પરમારને ચૂંટાયા પહેલા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને મંત્રી મંડળમાં સમાવાશે...?! મોઢા એટલી વાતો શરુ...
ઈશ્વરિયા સોમવાર તા.20-07-2020 ( મૂકેશ પંડિત )
ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં અંદરખાને ખુબ હલચલ શરુ થવા પામી છે. સામા પક્ષે કોંગ્રેસ કે અન્યમાં સોપો પડી ગયાનું લાગે છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષના નવા સુકાની તરીકે શ્રી ચન્દ્રકાન્ત પાટીલને જવાબદારી સોંપવામાં આવી. પદ મૂકી રહેલા શ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં પક્ષ માટે ખુબ કુનેહપૂર્વક પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આ સાથે હવે ગુજરાતના રાજકારણમાં અને શાસનમાં હળવી ભારે બઘડાટી શરુ થશે તેમ લાગે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી જીતુ વાઘાણી પોતાના નિયત કાર્યકાળ કરતા વધુ સમય હોદ્દો ભોગવ્યો અને પક્ષ માટે ખુબ સારી જવાબદારી નિભાવી એમાં શંકા નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નજીકના કાર્યકર્તા બની શક્ય છે, કારણ કે પાટીદાર અનામત આંદોલન અને સંગઠનમાં તેમની ભૂમિકા પક્ષને સબળ રાખવામાં મહત્વની સાબિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને ભારતીય જનતા પક્ષનું સુકાન શ્રી જીભાઈ વાઘાણી પાસે એમ બંને પાટીદાર હોવા અંગે પણ ચણભણાટ રહેલો, આ દરમિયાન પાટીદારોના જ અનામત આંદોલનમાં મુખ્યમંત્રી પદમાંથી એક પાટીદારનો ભોગ લેવાયો. આથી આ દરમિયાન પક્ષમાં થોડું તોફાની વાતાવરણ થતું અટકી ગયું.
પાટીદાર અનામત વાળા દેકારામાં પક્ષ પ્રદેશ અધ્યક્ષ તરીકે રહેલા શ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રમાં પ્રધાન રહેલા શ્રી મનસુખભાઈ માંડવિયાએ સુરતને કેન્દ્રમાં રાખી પાટીદાર સમાજને પક્ષની તરફેણમાં રાખવા એડી-ચોટીનું જોર લાગ્યું હતું એ સૌ જાણે છે. જો કે બીજા પાટીદાર આગેવાનો પણ આ માટે કાર્યરત રહેલા જ.
આવી રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં આવેલા પક્ષપલ્ટુઓને ધારેલી સફળતા મળવાની નથી પરંતુ, બીજા લાભ મળી ગયા હોય તેવું પણ બને. જોકે કેટલાકની સ્થિતિ 'નહિ ઘરના , નહિ ઘટના' એવી થઈ ગઈ છે, જેનું રાજકારણ હવે પૂરું થઈ જાય તો ના નહીં...
ઠીક છે, આ બધું રાજકારણમાં આવું જ હોય... પરંતુ અગાઉ ભાવનગર જિલ્લામાં અને હવે બોટાદ જિલ્લામાં આવતી ગઢડા બેઠક પર ધારાસભ્ય રહેલા તેમજ મંત્રી પદ પણ મળેલું તે શ્રી આત્મારામ પરમાર માટે આવતી ચૂંટણીમાં પક્ષ બુદ્ધિ-પૂર્વક ખેલ નાખે તેવો અણસાર છે. શ્રી આત્મારામ પરમાર ગઢડા બેઠક પર ચૂંટણી લડે અને જીતે તે પહેલા જ રાજ્યના મંત્રી મંડળમાં સમાવી લેવાય..?! આથી મતદારોમાં પોતાનો ઉમેદવાર મંત્રી છે, એમ મજબુતીથી આકર્ષી શકાય જયારે કોંગ્રેસમાં જીતે તો પણ માત્ર ધારાસભ્ય જ રહે, તેવી છાપ રહે. ઉલ્લેખનીય છે કે આ ગઢડા બેઠક પર કોંગ્રેસમના શ્રી પ્રવીણભાઈ મારુ વિજેતા થયેલા. તેઓએ અગમ્ય કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામુ દીધું, આ દરમિયાન ભાજપમાં ભળવાની કે ભાજપમાં રાખવા કે નહિ આવી ચર્ચામાં ભારે અસમંજસ સ્થિતિમાં તેઓ અધવચ્ચે રહી ગયા છે. આથી આ બેઠક પર હવે શ્રી આત્મારામ પરમાર આવી રહ્યા છે, તેમ સમજાય છે.
આજ સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહેલા શ્રી જીતુભાઈ વાઘાણી બધી રીતે, હા બધી જ રીતે પક્ષ માટે 'હોશિયાર' સાબિત થયા છે. આમને પણ અગાઉ મંત્રી મંડળમાં સમાવવા હલચલ થયેલી, પરંતુ એક હોદ્દાની બાબતમાં કશુંક અટકી પડેલું અને તેમના મંત્રી હોવા કરતા પક્ષમાં પાટીદાર ડખ્ખામાં સમુંનમું કરવામાં વધુ જરૂરિયાત હતી. આથી કદાચ મંત્રી મંડળમાં લેવાયા ના હોય તેવું બની શકે. પણ, હવે ? હવે તેમના માટે રસ્તો ખુલ્લો છે. છતાં પણ ભાવનગર શહેરમાં જ એક મંત્રી તો છે જ શ્રી વિભાવરીબેન દવે. જિલ્લાના પાલિતાણા વતની શ્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યસભામાંથી કેન્દ્રીય પ્રધાન બન્યા છે. આ પરિસ્થિતિમાં શ્રી જીતુભાઈ વાઘાણી મંત્રી બને તો રાજ્યના અન્ય વિસ્તારના અને કોંગ્રેસમાંથી પધારેલા નેતાઓનું શું થાય. સમીકરણો ગોઠવવા થોડા અઘરા છે. આમ છતાં કેન્દ્રના કે રાજ્યના નિગમો કે પંચોમાં આ વ્યક્તિઓને બેસાડી શકાય. જેઓનો માભો પણ મોટો મોટો રહી શકે.
ગુજરાત પ્રદેશ ભારતીય જાણતા પક્ષના અધ્યક્ષ પદ પર શ્રી ચન્દ્રકાન્ત પાટીલ કે જે મૂળ ગુજરાતના નથી, આ મુદ્દો પણ અસંતુષ્ટો માટે હથિયાર બની શકે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહની નજરમાં પડે તો તકલીફ ઉભી થાય માટે આવો ચણભણાટ માત્ર પોતાના પુરતો જ રહેશે, તેમાં શંકા નથી. આમ છતાં રાજકારણ અને શાસનમાં આજકાલમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખી તેમજ ઘણા સમયથી અટકળો મુજબ રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન લેવા કે 'ધરાર' ઘુસવા બઘડાટી શરૂ થઈ શકે છે. જો કે અત્યારે ગાંધીનગરથી ગામડા સુધી મોઢા એટલી વાતો થઈ રહી છે... કોરોના બિમારીના ઉત્પાત સાથે સાથે જ ગુજરાતના રાજકારણમાં પણ હળવો ભારે ઉત્પાત આવી શકે તેમ લાગી રહ્યું છે. આપણે સૌ ઇચ્છીયે કે કોંગ્રેસમાંથી જે પ્રજાના સેવકો ગયા છે, તેને સેવાનું સારું ફળ મળે, શાસનમાં સ્થિરતા રહે અને મહાબિમારી હળવી થાય... એટલે પ્રજાનું કલ્યાણ...!