મોરારિબાપુ રામમંદિર - નકલી પત્ર

મોરારિબાપુને રામમંદિરનું આમંત્રણ - નકલી પત્રથી ફરી ચર્ચા શરૂ  

શ્રીરામ મંદિર તીર્થક્ષેત્રની પત્રકાર પરિષદમાં 18.61 કરોડના ફાળાની નોંધ લેવાઈ

રાજકોટ   

      અયોધ્યામાં રામ મંદિરનાં શિલાન્યાસ પ્રસંગે શ્રી મોરારિબાપુને આમંત્રણ ના અપાયું એ મુદે ખાસ્સી ચર્ચા ચાલે છે. પોતાના તરફથી પાંચ લાખ રૂપિયા સહિત ભક્તોના યોગદાન સાથે પાંચ કરોડ રૂપિયાનો ફાળો જાહેર કરેલો જે કુલ 18.61 કરોડ રૂપિયા થયો છે. હવે મોરારિબાપુને આમંત્રણ અપાયું છે એવો નકલી પત્ર ફેલાઈ રહ્યો છે, એટલે ફરી ચર્ચા શરૂ થઇ છે.

     નકલી પત્ર માટે આવું કોણે કર્યું અને શા માટે કર્યું? કારણ કે, આ મુદે મહુવા પુછાણ કરાયું તો ખબર પડી કે , બાપુને કોઈ આમંત્રણ મળ્યું નથી. એટલે કે, કોઈએ ખોટું આમંત્રણ ચકડોળે ચડાવી ફેલાવ્યું છે. આ આમંત્રણમાં જે સમિતિ છે એ જ કાગળનો ઉપયોગ થયો છે પણ એ ભાંડો એટલે ય ફૂટી ગયો કારણ કે એમાં વિશ્વવિખ્યાત કલાકાર પહેલા લખાયું અને પછી એ ભૂંસી કથાકાર લખાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં અધુકૃત પત્ર પર કોઈ આ રીતે આમંત્રણ આપે તો એ ગુનો બનવો જોઈએ. તીર્થ ક્ષેત્ર દ્વારા કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી પણ એવી માહિતી મળે છે કે, ત્યાંથી મોરારિબાપુને કોઈ આમંત્રણ અપાયું નથી પણ કોઈ આ રીતે ખોટો આમંત્રણ પત્ર ફેરવે તો તીર્થ ક્ષેત્ર આ સામે કોઈ પગલા લેવા જોઈએ કે નહિ? ફરિયાદ કરવી જોઈએ કે નહિ? એ વધારાનો મુદ્દો બની શકે છે.

     બીજી બાજુ, ગુજરાતના કેટલાક સંતોને આમંત્રણ અપાયું એમાં એકનો ઉમેરો થયો છે. નડિયાદના સંતરામ મંદિરનાં રામદાસ બાપુને આમંત્રણ મળ્યું છે.

     અયોધ્યામાં શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીએ મોરારિબાપુના નામ સાથે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બાપુએ પોતાના તરફથી પાંચ લાખ રૂપિયા સહિત ભક્તોના યોગદાન સાથે પાંચ કરોડ રૂપિયાનો ફાળો જાહેર કરેલો જે કુલ 18.61 કરોડ રૂપિયા થયો છે. આમાથી 11 કરોડ રૂપિયા જેટલું દાન ભારતમાંથી મળ્યું છે અને આ રકમ શિલાન્યાસ પૂર્વે ટ્રસ્ટના ખાતામાં જમા થઈ જવાની છે.

     ગમે તેમ કોઈને કોઈ મુદ્દે શ્રી મોરારિબાપુ સાથે વાદ વિવાદ અને ચર્ચા તેમજ વર્ષો પહેલા અપાયેલા કથા પ્રવચનોને આજની પરિસ્થિતિ સાથે જોડી દઈ રજુ કરી ફેલાવાઈ રહ્યા છે, માટે કોઈ ચોક્કસ ગોઠવણ હોય તેવું સ્વાભાવિક લાગી રહ્યું છે.    

( પૂરક વિગત સાભાર - 'ફૂલછાબ' દૈનિક )