ટોલપ્લાઝા પર ટેક્સ ભરવા બેન્કિંગ કાર્ડ

26th , November 2016

હાઈવેના ટોલપ્લાઝા પર રોકડનાં વ્યવહારની ઝંઝટમાંથી મુક્તિ

ટોલપ્લાઝા પર ટેક્સ ભરવા વિવિધ

બેન્કિંગ કાર્ડનો ઉપયોગ કરી શકાશે

ગુજરાત ફાસ્ટ ટ્રેકમાં અગ્રેસર 10,000થી વધુ ગ્રાહકો

 

અમદાવાદ

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ઘોરીમાર્ગો પર મોટી ચલણી નોટો સાથે ફરતા વાહન ચાલકો છૂટ્ટા રૂપિયાના અભાવે હેરાન ન થાય તે માટે ધોરી માર્ગો પરના ટોલ ટેક્સ પર 2જી ડિસેમ્બર સુધી ટોલ માફી લંબાવી આપી છે.

પરંતુ જ્યારે પણ ટોલમાફી નાબૂદ કરી ફરી ટોલ ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવે ત્યારે પણ છૂટા નાણાંને લઈ કકળાટ ઊભો ન થાય તેવા હેતુથી રાતોરાત કેશલેસ સુવિધા ઊભી કરી દેવાઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ મુંબઈ કોરિડોરમાં દરેક ટોલ બુથ ઉપર પીઓએસ બુધવાર તા. 23-11-2016ની રાત્રે 1.00 કલાકે લગાવી દેવામાં આવ્યા છે. આ જાહેરાત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મનેજર અને ગુજરાતના રિજનલ ઓફિસર આર. કે.બંસલે કરી છે. બંસલે કહ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ટોલ પ્લાઝા પર છુટા નાણાંને લઈ વાહન-વ્યવહારને કોઈ અસર ન થાય તે માટે પૂરતા પગલા લેવાયા છે. આમ તો ગુજરાતમાં છેલ્લા આઠ માસથી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્ટર સિસ્ટમ ઊભી કરીને ટ્રાન્સપોટર્સને ફાસ્ટ ટેગ અપાયા છે. તેઓ ફાસ્ટ ટેગના લેન પર વગર અડચણે વાહન ચલાવી જે તે નેશનલ હાઈવે પરથી વાહન પસાર થાય તો સંબંધિત બેંક એકાઉન્ટમાંથી નાણાં કપાય અને તેનો મેસેજ મોબાઈલ પર મળી રહે છે. ગુજરાતમાં આવા ફાસ્ટ ટેગ વાહનો 10 હજાર થવા જાય છે. નોટબંધી પછીને સ્થિતિને પહોંચી વળવા નેશનલ હાઈવે પર રાતોરાત ખાસ પોઈન્ટ ઊભા કરાયા છે, અમદાવાદ – મુંબઈ કોરિડોર પર આ કામગીરી પૂરી થઈ છે, જેમાં વાહન પીપીઆઈ સેવા ઉપલબ્ધ કરાશે, જેમાં મોબાઈલ બેન્કિંગ, પેટીએસ, યુપીઆઈ વગેરેનો ઉપયોગ કરી શકાશે. તેમાં કોઈ વધારાનો ચાર્જ નહિ કપાય. ટોલ પ્લાઝા પર વધુમાં વધુ કેશલેસ સેવાનો ઉપયોગ થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. આગામી છ માસ સુધીમાં મોટા ભાગના ટ્રાન્સપોર્ટર્સ કેશલેસ સવલતનો લાભ લે તે માટે ઝુંબેશ હાથ ધરાશે. ફાસ્ટ ટેગ સિસ્ટમમાં દેશો અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સારો રિસ્પોન્સ મળ્યો છે, તેમને માર્ચ 2017 સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ અપાય છે.

તદ્ઉપરાંત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા નર્મદા કેબલ બ્રિજનું કામ ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં પૂર્ણ કરી જાન્યુઆરી, 2017 સુધીમાં ખુલ્લો મૂકવામાં આવશે. જેની લંબાઈ 1.3 કિ.મી. છે તથા નેશનલ હાઈવે પર સેફટી બેઝ અકસ્માત નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે.