અંત્યોદયના આધાર પર રાષ્ટ્રનું નિર્માણ થાય તેવી કાર્યપધ્ધતિથી
સરકાર કામ કરી રહી છેઃ - કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા
સુરત
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય તેવા શુભ હેતુંથી રાજયભરમાં ૫૫ જેટલા દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરના રાજય વ્યાપી પ્રારંભ અંતર્ગત ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ, શિપિગ, કેમીકલ અને ફર્ટીલાઈઝર વિભાગના કેન્દ્રીય રાજયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે સૂરત નવી સીવીલ હોસ્પીટલ ખાતે જન ઔષધી સ્ટોરનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્ય માટે થતા મસમોટા ખર્ચમાં બચત થાય તેમજ દવાઓ-સાધનો વ્યાજબી ભાવે મળી રહે તે માટે જન ઔષધી સ્ટોરો ખોલવામાં આવી રહ્યા છે. બી.પી., હાર્ટ, ડાયાબિટીસ જેવા રોગોમાં જીવનભર લેવી પડતી દવાઓ આ સ્ટોર પરથી વ્યાજબી ભાવે મળી રહેશે. આવનાર સમયમાં તબક્કાવાર એક હજારથી ૧૫૦૦ જેટલી જેનેરીક દવાઓ સ્ટોર પરથી પ્રાઈઝ કિંમત કરતા ૨૫ થી ૫૦ ટકા જેટલા ઓછા દરે થી ઉપલબ્ધ થશે.
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં દેશમાં ત્રણ હજાર જન ઔષધિ સ્ટોર શરૂઆત કરવામાં આવનાર હોવાની વિગતો આપીને કહ્યું કે, હાલમાં ૫૫૦ સ્ટોર શરૂ થઈ ચૂકયા છે. કોઈ યુવાનો કે એન.જી.ઓ. સ્ટોર શરૂ કરવા માગતા હોય તો અરજીઓ કરી શકે છે તેના માટે અઢી લાખ જેટલી સહાય પણ આપવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સરકારની કાર્યપધ્ધતિ અંત્યોદયના આધાર પર રાષ્ટ્રનું નિર્માણ થાય તે પ્રકારની છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની આગેવાની હેઠળ દવાઓ સસ્તા દરે મળે તે માટે નેશનલ લીસ્ટ ઓફ નેશનલ એસેશીયલ અંતર્ગત ૭૦૦ જેટલી દવાઓને આવરી લેવામાં આવી છે. નેશનલ ફાર્મા પ્રાઈઝ ઓથોરીટી દ્વારા ૪૫૦ દવાઓની કિંમતને નિયંત્રિત કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ તથા મેયર શ્રીમતિ અસ્મિતાબેન શિરોયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ વેળાએ નવી સીવીલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મહેશ વાડેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, શહેરમાં પ્રથમ સ્ટોરની શરુઆત થઈ છે.
આગામી સમયમાં શહેરમાં નવા ૧૫ જેટલા સ્ટોર શરૂ કરવામાં આવનાર છે. બીજા તબક્કામાં ૨૦૦૦ જેનરીક દવાઓ સ્ટોર પરથી ઉપલબ્ધ થશે તેવી વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે દંડકશ્રી અજયભાઈ ચોકસી, ધારાસભ્યસર્વશ્રી નરોત્તમભાઈ પટેલ, રણજીતભાઈ ગીલીટવાલા, પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ઝંખનાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલ, મેડીકલ કોલેજના ડીન, સેનેટ સભ્યો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.