વડોદરા માસીબાના અખાડા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા

વ્યંઢળ સમાજના માધ્યમથી સમગ્ર સમાજને મા બહુચરની માતૃશક્તિના આશીર્વાદ મળે છે              

                     :  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

 વડોદરા શહેરમાં માસીબાના અખાડા ખાતે  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વ્યંઢળ સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત

વડોદરા સોમવાર

 નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે બરાનપુરામાં માસીબા અખાડામાં વ્યંઢળ સમાજ દ્વારા નવનિર્મિત બહુચરાજી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞમાં સહભાગી વ્યંઢળ સમાજના મોભી આશા માસીના આશીર્વાદ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બરાનપુરામાં વ્યંઢળ સમાજ દ્વારા નિર્માણ થયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી વ્યંઢળ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ વધારવા વ્યંઢળ સમાજનું મહત્વનું પ્રદાન રહ્યુ છે એમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે વ્યંઢળ સમાજ માધ્યમથી સમગ્ર સમાજને મા બહુચરની માતૃશક્તિના આશીર્વાદ મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં દેવદિવાળીના પાવન પર્વે સૌ પ્રથમવાર વ્યંઢળ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. વ્યંઢળ સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે સમાજમાં પુરૂષ અને સ્ત્રી સિવાય ત્રીજો વ્યંઢળ સમાજ છે જે બહુચરાજી માતાજીના શિષ્ય-દિકરા તરીકે પૂજાય છે. વ્યંઢળ સમાજ દ્વારા પણ ધાર્મિક સાથે સમાજ સેવાના કાર્યો પણ થઇ રહ્યા છે જે સરાહનીય છે.

વ્યંઢળો સમાજ સાથે હળીમળીને વિવિધ શુભ પ્રસંગોએ આશીર્વાદ આપી તેમને મળતી બક્ષિસમાંથી માતાજીની સેવા આરાધના કરી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

ભૂતકાળમાં શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે જે કાર્યો કરેલા તેને વ્યંઢળ સમાજ આગળ વધારી રહ્યો છે તેમ શ્રી પટેલે ઉમેર્યુ હતું.

વ્યંઢળ સમાજના અગ્રણી આશા માસીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને આર્શીવચન પાઠવ્યા હતા. અંજુ માસીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આશીર્વાદ પાઠવવા સાથે ગુજરાત મા ભગવતીની કૃપાથી વિશ્વમાં નામના મેળવે એવા શુભાષિશ પાઠવ્યા હતા.

આ અવસરે ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયા, પુવઠા નિગમના ચેરમેનશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, નાયબ મેયરશ્રી યોગેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  વિનોદ રાવ, નગરસેવકો, સચિનભાઇ મહાજન, જયેશભાઇ કાછીયા સહિત ગુજરાતભરમાંથી વ્યંઢળ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.