રોજિંદા પરિવહનમાં ટૂંકા અંતર માટે જો સાયકલનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને પર્યાવરણના રક્ષણમાં પણ તે ઉપયોગી થઈ પડે. આ અંગે જાગૃતિ માટે યુવાનો અને વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા 'Go-Green' પહેલ કરવામાં આવી છે, જેમાં તેઓ જુદા-જુદા સ્થળોની સાયકલ યાત્રા કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવે છે. હાલ સુરતથી અંબાજીની સાયકલ યાત્રાએ નીકળેલ આ યુવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
આ યાત્રા દરમ્યાન યુવાનોએ ૨૩૦ વૃક્ષો પણ વાવ્યા છે. સમયની માંગને અનુરૂપ આવી ઊર્જામય પહેલ બદલ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને બિરદાવ્યા હતા અને તેમના કાર્યમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.