શું સરકાર ઈચ્છતી નથી કે ગુજરાતના ખેડૂતો દિવાળી ઉજવી શકે ?
-ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ
-
દિવાળી પછી સીંગ(મગફળી)ની ટેકાના ભાવે ખરીદી કરવાની ગુજરાત સરકારની જાહેરાત એક લોલીપોપ છે. ખેડૂતોને દિવાળીમાં પૈસાની જરૂર હોય છે. મજદુરો, ભાગીયાઓ તથા લેણદારો પણ દિવાળી પહેલાં ખેડૂતો પાસેથી પૈસા માંગતા હોય છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે દિવાળી પછી સીંગ(મગફળી)ની ખરીદી ટેકાના ભાવે કરીશું તેવી જાહેરાત કરીને ખેડૂતોને લોલીપોપ આપી છે. શું સરકાર ઈચ્છતી નથી કે ગુજરાતના ખેડૂતો દિવાળી ઉજવી શકે ?
ગુજરાત સરકારે સીંગ(મગફળી)નો ટેકાનો શું ભાવ આપશે ? તેની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતો ખેતપેદાશ માટે જેટલી રકમનું રોકાણ કરે છે, તેમાં ૫૦% ઉમેરીને ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં આવશે. વડાપ્રધાનશ્રીએ ચૂંટણીની સભાઓમાં ખેડૂતોને ખેતપેદાશના ભાવ તેમણે રોકેલા નાણામાં ઓછામાં ઓછા ૫૦% ઉમેરીને જ ખેતપેદાશના ભાવો કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો તે આપશે તેવા વચનો આપ્યા હતા. આ સંજોગોમાં, સીંગ(મગફળી)ના ટેકાના ભાવ વાસ્તવિક રીતે ખેડૂતોએ કરેલા રોકાણના પૈસામાં ૫૦%નો ઉમેરો કરીને જ ગુજરાત સરકારે તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ અને ખરીદી દિવાળી પછી નહીં પરંતુ યુદ્ધના ધોરણે શરૂ કરવી જોઈએ. હાલમાં ભાજપની તેલિયા રાજાઓ સાથેની મિલીભગતના કારણે ખેડૂતોને સીંગ(મગફળી)ના ભાવ પૂરતા મળતા નથી અને તેની સામે ઉપભોક્તાઓને પણ સીંગતેલ જે રીતે સસ્તું મળવું જોઈએ તે રીતે મળતું નથી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને ઉપભોક્તાઓને સસ્તું સીંગતેલ મળે તે માટે ગ્રોફેડની રચના કરી હતી, જેના લીધે તેલિયા રાજાઓ ઉપર પણ અંકુશ આવ્યો હતો. ભાજપ સરકારે ગ્રોફેડનું વિસર્જન કરીને ખેડૂતો અને ઉપભોક્તા એમ બંનેને અન્યાય કરેલો છે. ભાજપ સરકારે ગ્રોફેડને પુનઃજીવિત કરવું જોઈએ.
ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર જ્યારે ખેડૂતના ઘરમાં ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશ બહારથી આયાત થતી હોય તેના પર આયાત ડયુટી વધારતી હતી અને જ્યારે ખેડૂતના ઘરમાં ખેતપેદાશ ન હોય અને ઉપભોક્તાને સંગ્રહાખોરો દ્વારા મોંધો માલ આપવાની કોશિષ થાય ત્યારે આયાત ડયુટી ઘટાડવામાં આવતી હતી. કેન્દ્રની ભાજપની સરકારે ખેડૂતો માટે સદંતર અન્યાયકર્તા નિર્ણય તાજેતરમાં લીધો છે અને હાલમાં જ્યારે ખેડૂતોના ઘરમાં સીંગ(મગફળી), કપાસ, તલ જેવી ખેતપેદાશો આવવાની છે ત્યારે આયાત ડયુટીમાં વધારો કરવાને બદલે ખેતપેદાશો પર આયાત ડયુટી ઘટાડવામાં આવી છે, જેની તાજેતરમાં નીચે મુજબ જાહેરાત કરવામાં આવી છે -
પામ ઓઈલ પરની આયાત ડયુટી ૧૨.૫%થી ઘટાડીને ૭.૫% અને રીફાઈન્ડ (ખાઘતેલ) કક્ષાના ખાઘતેલ પરની આયાત ડયુટી ૨૦%થી ઘટાડીને ૧૫% કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારના CDEC દ્વારા બટાટા પરની આયાત ડયુટી ૩૦% થી ૧૦% કરવામાં આવી છે. તે જ રીતે ઘઉં પરની આયાત ડયુટી ૨૫%થી ઘટાડીને ૧૦% કરવાનો નિર્ણય લેવાયો છે.
ભૂતકાળની સરકારો ખેડૂતના ઘરમાં કપાસ આવે ત્યારે કપાસની આયાત પર પ્રતિબંધ મૂકતી હતી, જેથી કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે. કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોના ઘરમાં કપાસ આવવાનો થયો છે ત્યારે કપાસની મોટાપાયે આયાતની છૂટ આપી છે અને પરિણામે ભૂતકાળમાં ખેડૂતોને ક્યારેય ૨૦ કિલો કપાસના રૂ. ૧,૦૦૦થી નીચે ભાવ ગયા ન હતા અને કોંગ્રેસના સમયમાં ૨૦ કિલો કપાસના રૂ. ૧,૫૦૦ પ્રાપ્ત થયા હતા. તે સમયે હાલના વડાપ્રધાનશ્રી કહેતા હતા કે, ખેડૂતોને ૨૦ કિલો કપાસના કમ સે કમ રૂ. ૨,૦૦૦ મળવા જોઈએ.
આ વર્ષે ખેડૂતોને બીટી કપાસમાં લાલ ઈયળ આવી જવાથી ખૂબ મોટું નુકસાન થયું છે. તે જ રીતે સીંગ (મગફળી)ના પાકમાં મોટા માથાવાળી ઈયળો(મુંડા)ના ઉપદ્રવથી ખૂબ મોટું નુકસાન થયું છે. આ સંજોગોમાં ભાજપની સરકાર ખેડૂતોને સાચી મદદ કરવાને બદલે લોલીપોપ જેવા નિવેદનો આપે છે તે જગતના તાતનું અપમાન છે.