ભાવનગર ગુરૂવાર તારીખઃ-૨૨/૧૨/૨૦૧૬
બુધવારે તા. ૨૧ ડીસેમ્બરે રાત્રિના ૮/૩૦થી ૧૦/૦૦ કલાક સુધી ભાવનગરના ઈન્ડીયન મેડીકલ એસોસીએશન હૉલ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરી વિસ્તારના સરકારી તેમજ ખાનગી ડોક્ટરોને અટલ સ્નેહ યોજના તથા કેશલેસ ટ્રાન્ઝેક્શન વિષયે વિશાળ પડદા પર વિડીયો પ્રોજેક્ટર થકી જાણકારી અપાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલે જણાવ્યું હતું કે અટલ સ્નેહ યોજના મારફતે બાળકોમાં જન્મજાત ખામી અટકાવવાના હેતુસર સગર્ભા બહેનોના આરોગ્યની કાળજી રાખવામાં આવશે. તેમણે લોકોને અનુરોધ કરી જણાવ્યું છે કે જન્મજાત ખામીઓ જોવા મળતી હોય તેવા કુટુંબોમા લગ્ન જોડાણ ટાળવું જોઈએ. સગર્ભા બહેનો માટે માનસિક તાણ અને ઘરેલુ હિંસા રહિત વાતાવરણ હોવું જોઈએ. સગર્ભા મહિલાને ૬ થી ૮ કલાકની ઉંઘ તેમજ પોષક તત્વો યુક્ત આહાર તથા નિયમિત દવા મળી રહે તેની કાળજી રાખવી જોઈએ. પરિવારમાં કોઈ સભ્યને જન્મજાત બધિરતા,જનીનીક રોગો કે અન્ય ગંભીર બિમારીઓની હિસ્ટ્રી હોય તો સગર્ભા મહિલાની વિશેષ તપાસ તેમજ જરૂરી સારવાર અચૂક કરાવવી જોઈએ. તપાસ સારવારની સુવિધા સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મળી રહેશે.
વિશેષમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરકારી તેમજ ખાનગી ડોક્ટરોને જિલ્લા આયોજન કચેરીના પ્રતિનિધિ શ્રી અભિષેક ત્રિવેદીએ વિશાળ પડદા પર કેશલેસ ટ્રાન્ઝેક્શન વિષયે પણ ચોક્કસ જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગનાં પ્રાદેશિક નાયબ નિયામકશ્રી લીંબડ, ડો. ભંડેરી,ચાઈલ્ડ ઓફીસર શ્રી ઘોઘાવાલા,ઈ. એન. ટી. પ્રેસિડેન્ટ શ્રી ડો. પટેલ સહિત શહેરના ડોક્ટરો હાજર રહ્યા હતા.