બોટાદ જિલ્લામાં ચૂંટણી માટેની કામગીરી

બોટાદ જિલ્લામાં નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં

ચૂંટણી યોજાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી 

પત્રકાર પરિષદમાં માહિતી

બોટાદ 

       બોટાદ જિલ્લામાં સમાવિષ્‍ટ વિધાનસભાની ૧૦૬ – ગઢડા (અજા) અને ૧૦૭ બોટાદ બેઠકોની ચૂંટણી માટે આગામી તા.૯ મી ડિસેમ્‍બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થનાર છે. જે સંદર્ભે જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય અને તમામ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી સહભાગી બને તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજીત કુમારે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતુ.

      જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ ચૂંટણી સંદર્ભે વધુ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, ચૂંટણી માટેનું જાહેરનામું તા.૧૪/૧૧/૨૦૧૭ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્‍લી તા.૨૧/૧૧/૨૦૧૭ અને ફોર્મ ચકાસણીની છેલ્‍લી તા.૨૨/૧૧/૨૦૧૭ના રોજ રહેશે. જયારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૪/૧૧/૨૦૧૭ રહેશે અને મતગણતરીની તારીખ ૧૮/૧૨/૨૦૧૭ના રોજ યોજાશે.તેમણે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ મુક્ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કાયદો અને વ્‍યવસ્‍થાની પુરતી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.આ ઉપરાંત આદર્શ આચાર સહિતના સઘન અમલીકરણ માટે વિવિધ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંકની સાથે વિવિધ ટીમોની રચના પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતુ.  જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી મતદાન મથકોમાં મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

      આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અને એકસપેન્ડીચર મોનીટરીંગના નોડલ અધિકારીશ્રી હિતેષ કોયાએ તથા આદર્શ આચાર સહિતા અમલીકરણના નોડલ અધિકારીશ્રી બી. એમ વિરાણીએ જરૂરી વિગતો આપી હતી.

     આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. એમ. ગોહિલ, ઈન્કમટેકસ વિભાગના ડેપ્યુટી કમિશ્નરશ્રી ચતુર્વેદી, સહાયક માહિતી નિયામકશ્રી એચ. બી. દવે સહિત પત્રકાર ઉપસ્થિત રહયા હતા.