ઇશ્વરિયા,મંગળવાર તા.૨૪/૧૦/૨૦૧૭
ઇશ્વરિયા ગામને તત્કાલીન કેન્દ્ર સરકારે ફાળવેલી માધ્યમિક શાળા રાજ્ય સરકારે રદ કરી નાખતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી રહેલી છે. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીથી વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપlણી સુધીની રજુઆતો નિષ્ફળ રહી છે.
સૌના માટે શિક્ષણ અને વંચિતોના વિકાસ માટેની વાત ફોગટ રહી છે, તેવું ભાવનગર જિલ્લાના ઇશ્વરિયા ગામને લાગી રહ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા જૂન ૨૦૧૧-૧૨થી રાષ્ટ્રીય માધ્યમિક શાળા શિક્ષણ અભિયાન તળે સિહોર તાલુકાના ઇશ્વરિયા ગામ માટે માધ્યમિક શાળા મંજુર થયેલ, જે અપૂરતા માર્ગદર્શનથી રદ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજ્ળ્યા હતા.
આ સંદર્ભે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદી અને શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાને (તા-૩૦-૯ -૨૦૧૧) પત્રથી રૂબરૂ રજૂઆત થઇ હતી. પરંતુ સરકારને આ શાળા શરુ કરવા માટે રૂચિ ન હતી અને તત્કાલીન કેન્દ્ર સરકાર પર આડકતરો વાંક કાઢ્યો હતો.
ઈશ્વરિયાના કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેદ્ર મોદી પછી ક્રમશઃ શ્રી આનંદીબેન પટેલ તથા વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે શિક્ષણમંત્રી શ્રીઓને સતત પત્ર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કે ઉચિત પત્ર પ્રત્યુત્તર પાઠવાયો નથી.
તત્કાલીન કેન્દ્ર સરકારે ફાળવેલી આ માધ્યમિક શાળા રાજ્ય સરકારે રદ કરી નાખતા સબંધિત ખૂલાસાઓ અને તંત્રની ચૂક પ્રત્યે શ્રી મૂકેશકુમાર પંડિતે વિગતવાર માહિતી આપવા છતાં આજ સુધી કશું થયું નથી.
ઇશ્વરિયા ગામને મુખ્યમંત્રી શ્રી કાર્યાલય દ્વારા સર્વાંગી વિકાસ માટે દત્તક લેવાયું તે દરમિયાન પણ આ સંબંધે રજૂઆતો થઇ સ્થાનિક શિક્ષણ કચેરીઓ દ્વારા તપાસ અહેવાલો મોકલાયા પણ આ શાળા ફરી શરુ થવા પામી નથી, આથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી રહેલી છે.
તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીથી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધીની અને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રજૂઆત બેઠકો બાદ પણ રજુઆતો નિષ્ફળ રહી છે. કમનસીબે શિક્ષણના વિકાસની વાતો માત્ર ભાષણો અને પ્રચાર માટે જ રહ્યાનું ઈશ્વરિયાના ગ્રામજનોને લાગી રહ્યું છે.