બોટાદ - બાળલગ્ન પરિસંવાદ

બાળલગ્નની બદીને  દૂર કરવા બોટાદ જિલ્લો કટીબધ્ધ

 - જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર

બાળલગ્નના કારણે કુ-પોષીત બાળકોના જન્મદરમાં વધારો

- જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશીષ કુમાર

નવરચિત બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવાર બાળલગ્ન અંગે કાયદાકીય જાગૃતિ પરિસંવાદ 

બોટાદ :

            બોટાદ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી – સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારની ઉપસ્થિતિમાં આજે બાળલગ્ન અંગે એક દિવસીય કાયદાકીય  જાગૃતિ પરિસંવાદ યોજાયો હતો.

            આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે જણાવ્યું હતુ કે, બાળલગ્નના કારણે સમાજમાં દિકરા – દિકરીઓના બાળક તરીકેના અધિકારો છીનવાઈ જાય છે. સાથો- સાથ તેમના શિક્ષણ – આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે. તેથી જ બાળલગ્ન અટકાવવા એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. આ માટે આપણે સૌએ સમાજમાં એકપણ બાળલગ્ન ન થાય જાગૃત બનવું પડશે.

            કલેકટરશ્રીએ બાળલગ્નને અટકાવવા સમાજના શ્રેષ્ઠીજનોની સાથે સમૂહલગ્નના આયોજકો અને સ્વૈચ્છીક – સેવાભાવી સંસ્થાઓને પણ આગળ આવી બહુજન સમાજ સુધી આ બાબતે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે બાળલગ્નની બદીને સૌના સહિયારા પ્રયાસોથી દૂર કરવા બોટાદ જિલ્લો કટીબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ.

            આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારે સમાજમાં બાળલગ્ન થવાના મુખ્ય પરિબળોની વિસ્તૃત ચર્ચા કરતાં જણાવ્યું હતુ કે, અનેક સામાજિક અને આર્થિક પરિબળો એ બાળલગ્નો માટે જવાબદાર હોય છે. સમાજમાંથી બાળલગ્નોરૂપી બદીને દૂર કરવા માટે દિકરા – દિકરીઓના માતા – પિતાએ જાગૃત બની બાળકો પ્રત્યેની તેમની જવાબદારી સાચા અર્થમાં અદા કરવી પડશે. સરકારી તંત્રની સાથે સભ્ય સમાજના લોકોએ પણ આગળ આવી સહિયારા પ્રયાસો થકી બાળલગ્નોને અટકાવવામાં સહાયરૂપ બનવું પડશે.

            આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી – સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હેતલ દવેએ ઉપસ્થિત સમૂહ લગ્ન સમિતિઓના સભ્યશ્રીઓ, લગ્નવિધી કરાવનાર બ્રાહ્મણો તથા અગ્રણીઓને બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ – ૨૦૦૬ ની વિસ્તૃત સમજ આપી સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ સમજણ પૂરી પાડી હતી. તેમણે આ તકે સમાજમાં એકપણ બાળલગ્ન ન થાય તે માટે રાજ્ય સરકાર  કટીબધ્ધ હોવાનું પણ જણાવ્યું હતુ.

            આ એક દિવસીય પરિસંવાદમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઈ ડવએ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવ્યો હતો. આ તકે ગોરધનભાઇ મેર એ સંકલીત બાળ સુરક્ષા યોજના, સમાજ કલ્યાણ અધિકારીશ્રીએ સમાજ કલ્યાણની સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરૂં જેવી લગ્ન સહાયની વિવિધ યોજનાઓ, નગરપાલિકાના પ્રતિનિધિશ્રી અલકેશ ભટ્ટએ લગ્ન નોંધણી અંગેની માહિતી તથા જીતેન્દ્રભાઈ કારેલીયાએ બાળ સુરક્ષા યોજનાઓની સમજ આપી હતી.

      પરિસંવાદમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી ત્રિવેદી, નાયબ બાગાયત નિયામક શ્રી પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કાતરિયા, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી – સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – બોટાદના કર્મચારીઓ, સમૂહ લગ્ન સમિતિઓના સભ્યશ્રીઓ, લગ્નવિધી કરાવનાર બ્રાહ્મણો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા.